નવી દિલ્હીઃ ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. દરમિયાન અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, 2019થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને 55 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી.
લોકસભામાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, પથ્થરબાજીમાં સામેલ 151 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોઈ પણ મુસાફરના જાનહાની કે કોઈ મુસાફરના સામાનની ચોરી કે કોઈપણ પ્રકારના નુકસાનની ઘટના પ્રકાશમાં આવી નથી. વર્ષ 2019, 2020, 2021, 2022 અને 2023 (જૂન સુધી) દરમિયાન ભારતીય રેલ્વેને પથ્થરમારાની ઘટનાઓમાં વંદે ભારત ટ્રેનોને થયેલા નુકસાનને કારણે 55.60 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, લોકોને મુસાફરોની સુરક્ષા અને તોડફોડ સામે જાગૃત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ઓપરેશન સાથી ચલાવવામાં આવી રહ્યું છે. આ યોજના રેલ્વે ટ્રેકને અડીને આવેલા વસ્તીવાળા વિસ્તારોમાં ચલાવવામાં આવી રહી છે, જેમાં આરપીએફ, જીઆરપી અને જિલ્લા પોલીસ, સિવિલ એડમિનિસ્ટ્રેશન જવાબદારી સંભાળી રહ્યા છે.
રેલ્વે મંત્રીએ કહ્યું કે, ચાલતી ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓને કાબૂમાં લેવા માટે લેવામાં આવનાર કાર્યવાહી અંગે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ ઘટનાઓનું વિશ્લેષણ કર્યા બાદ આ ઘટનાઓને રોકવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તોફાની તત્વો સામે પણ નિયમિત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આરપીએફ દ્વારા આ અંગેની મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે.
(Photo-File)