વિસનગરમાં પરંપરાગત રીતે ખાસડા યુદ્ધથી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ, 150 વર્ષથી આવતી આવે છે પરંપરા
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજે સવારથી જ ધૂળેટી પર્વની રંગો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જો કે, ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક આવેલા વિસનગરમાં વર્ષોથી કંઈક અલગ રીતે જ ઉજવણી કરવામાં આવે છે. અહીં પરંપરાગત રીતે ધૂળેટી પર્વ નિમિત્તે લોકો એકબીજાને ખાસડા એટલે ચપ્પલ મારીને પર્વની ઉજવણી કરે છે. વિસનગરમાં આ પરંપરા લગભગ 150થી પણ વધારે વર્ષથી ચાલતી આવે છે. તેમજ તેને ખાસડા યુદ્ધ કહેવામાં આવે છે. આજે સવારે પણ વિસનગરના મંડી બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા અને આ પર્વની આગવી રીતે ઉજવણી કરી હતી.
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ પરંપરાગત ખાસડા યુધ્ધની ઉજવણી ભારે હર્ષ ભેર કરવામાં આવી હતી. વહેલી સવારથી જ આ યુધ્ધમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ સામ સામે ખાસડા તેમજ શાકભાજી ફેંકી ઉજવણી કરી હતી. જો કે, સમય જતાની સાથે હવે કેટલાક લોકો ખાસડાની સાથે શાકભાજી પણ મારે છે. આ ઉજવણી દરમિયાન કોઈને નુકશાન ના થાય તે માટે હવે લોકો શાકભાજીનો ઉપયોગ કરતા હોવાનું મનાય છે. આ યુદ્ધને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને લોકોના ઉત્સાહમાં વધારો કરે છે.