ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના વિસનગર એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતેથી રૂ. 109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે 20 જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને 43 જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે 16 જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની રક્ત તુલા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ-2080 ની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ માર્ગદર્શન હેઠળ વિકાસનો મજબૂત પાયો નંખાયો જેના ફળ આજે મળી રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે હરેક માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યના અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્યજનનો સર્વાંગીણ વિકાસ રહ્યો છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે. મુખ્યમંત્રીએ આજના અવસરને “વિકાસ ઉત્સવ” ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડાં સુધી રસ્તા- વીજળી, પાણીથી માંડીને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આજના અમૃતકાળમાં સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે ત્યારે વિકસિત ભારત નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બને. મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું, કે, અમૃતકાળમાં છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય અને જરૂરતમંદ તમામ લાભાર્થીઓ સુધી વિકાસ યોજનાના લાભો પહોંચે અને સો ટકા લક્ષપૂર્તિ થાય તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રધાનમંત્રીશ્રીએ ભાઈબીજના દિવસે પ્રસ્થાન કરાવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પ્રત્યેક જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે ત્યારે એકપણ લાભાર્થી વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયાસરત થવા તેમણે અનુરોધ પણ કર્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજના કાર્યક્રમને સેવા, દાન અને વિકાસનો મહાસંગમ જણાવી મહેસાણા જિલ્લાના લોકોની સેવામાં રૂ.109 કરોડના વિકાસકાર્યો સમર્પિત થઈ રહ્યાં હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિકાસકાર્યો સાથે બાળકો, કિશોરીઓ, દિવ્યાંગજનો સહિત સમાજના જરુરીયાતમંદ લોકોને દાતાઓ તરફથી અંદાજીત રુ30 થી 40 કરોડની રકમથી વિવિધ સહાયનું દાન મળ્યું છે તેમ કહ્યું હતું.