વઢવાણમાં ભોગાવો નદીમાં બેરોકટોક કેમિકલયુક્ત પાણી છોડાતા કાંઠા વિસ્તાર બન્યો પ્રદુષિત
સુરેન્દ્રનગરઃ વઢવાણ ખાતેની ભોગાવો નદીનો એક જમાનો હતો. આ ભોગાવો નદીમાં પહેલા વિરડા ગાળી અને મહિલાઓ પાણી મેળવતા હતા. આજે ભોગાવો નદી બદસુરત બની ગઈ છે. વઢવાણ શહેરની આખા ગામની ગંદકીનું પાણી ભોગાવો નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, તદ ઉપરાંત કેટલાક ઉદ્યોગોનું કેમિકલયુક્ત દુષિત પાણી પણ નદીમમાં ઠાલવવામાં આવે છે. તેના લીધે ભોગાવો નદી એટલી બધી પ્રદુષિત બની ગઈ છે કે, જ્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ભોગાવો નદીના પ્રદૂષિત પાણીના કારણે આજુબાજુની જમીનો પણ બંજર બનતી જાય છે.
વઢવાણ નજીક ભોગાવો નદી એટલી બધી પ્રદુષિત બની ગઇ છે કે, ગામનો કચરો પણ એમાં નાખવામાં આવી રહ્યો છે. અને ફુગાવાના કાંઠાના વિસ્તારોમાં તો પુરાણ કરી અને વસવાટ પણ થવા લાગ્યા છે. છતાં પણ તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારનું ધ્યાન અપાતું નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસ વઢવાણમાં આવેલી હોવા છતાં પણ કારખાના તેમજ ફેક્ટરીઓ અને દવાની કંપનીઓ દ્વારા ભોગાવો નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. જેમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી ભોગાવો નદી પ્રદૂષિત બની ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર વઢવાણ શહેર જ નહીં પણ સુરેન્દ્રનગર શહેરની તમામ પ્રકારની ગંદકી ભોગાવો નદીમાં ઠાલવવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર, વઢવાણ અને દુધરેજ નગરપાલિકા નિષ્ફળ હોવાનુ પુરવાર થયું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી પણ આ અંગેની કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી છે. અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી પણ સંદતર નિષ્ફળ નીવડી છે, પ્રદુષિત પાણીને લીધે ભોગાવો નદીમાં ગાંડા બાવળોનો પણ સોંથ વળી ગયો છે. અને સુકાઈ ગયા છે. હવે ધીરે ધીરે નદી આસપાસની જમીનો પણ બંજર બની રહી છે. ભોગાવો નદી કાંઠા વિસ્તારમાં દબાણો પણ વધ્યા છે. તેના પાછળનું પણ કારણ જાણવામાં એકપણ અધિકારીને રસ નથી. ત્યારે ભોગાવો નદીને પ્રદૂષિત કરવા પાછળનું કારણ શું ? તે લોકોને સમજાતું નથી અને ચર્ચાનો વિષય બન્યો છે.