બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી વધી, કોંગ્રેસ-ડાબેરીઓએ ફ્લોર ટેસ્ટની કરી માંગણી
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓએ એક સાથે ચૂંટણીજંગમાં ઝંપલાવશે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો અને એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસ અને ડાબેરીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારના ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે. તેમજ વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગણી કરવામાં આવી છે.
સીપીઆઇ – એમના નેતા સુજન ચક્રવતી અને કોંગ્રેસના નેતા અબ્દુલ માનને જણાવ્યું હતું કે, રાજ્યની તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓ અને ધારાસભ્ય દ્વારા રાજીનામા આપવામાં આવ્યાં છે. જેથી સરકાર વિધાનસભા સત્ર બોલાવવાથી ગભરાઇ રહ્યા છે. પ્રજાના વિકાસના અનેક કામોની વિધાનસભા ગૃહમાં ચર્ચા થવી જોઈએ. સરકારે તાત્કાલિક વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ. તેમજ મુખ્યમંત્રીએ વિધાનસભામાં ફરીથી બહુમત સાબિત કરવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંશ્ચિમ બંગાળની આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની ભાજપ અને ટીએમસી સહિતની પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. બીજી તરફ કોંગ્રેસ-ડાબેરીઓના ગઠબંધન દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.