Site icon Revoi.in

તળાજા પથંકમાં એસટી બસની અપુરતી સુવિધાથી વિદ્યાર્થીઓ છકડા-રિક્ષામાં મુસાફરી કરવા મજબુર

Social Share

ભાવનગરઃ આઝાદીના વર્ષો બાદ પણ ઘણાબધા ગામડાંમાં જાહેર પરિવહનની પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘણાબધા ગામોમાં એસટી બસની પુરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે છકડો-રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. તાલુકાના ગાંમડામાં હાઈસ્કુલની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને તાલુકા મથકે ભણવા આવવું પડે છે. પરંતુ એસ ટી બસની કોઈ સુવિધા ન હોવાથી ના છૂટકે છકડા-રિક્ષામાં મુસાફરી કરવી પડે છે. આ અંગે એસટીના સત્તાધિશોને અવાર- નવાર રજુઆતો કરવા છતાં એસટી બસની સુવિધા આપવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ST બસ સુવિધાના અભાવના કારણે મોતની સવારીનો વીડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં છકડામાં 20 થી 25 વિદ્યાર્થીઓ બેસીને શાળાએ જતા જોવા મળ્યા હતા. જિલ્લાના અનેક ગામડાઓમાં એસ.ટી બસની અપૂરતી સુવિધાની ફરિયાદો અવાર નવાર ઊઠતી હોય છે. અગાઉ ઘોઘા તાલુકાના વિદ્યાર્થીઓને એસટી બસના પ્રશ્ને આંદોલન પણ કરવું પડ્યું હતું. ઉપરાંત ભાવનગર એસટી ડેપો ખાતે પણ વિદ્યાર્થીઓ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે તળાજા તાલુકાના ગામડાંમાં પણ એસટી બસના પ્રશ્ને વિદ્યાર્થીઓ લડતના મંડાણ કરી રહ્યા છે. તળાજાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. સ્કૂલના બાળકો એસ.ટી બસમાં જગ્યા ન હોવાથીના છૂટકે છકડો રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા જણાવ્યું હતું કે આ વીડિયો જે છે તે તળાજા મતવિસ્તારના ઉચડી ગામનો છે જેમાં એસટી બસની સુવિધા ન હોવાને કારણે 40-45 દીકરીઓ દરરોજ શાળાએ જીવના જોખમ અભ્યાસ કરવા મજબૂર બને છે. આ અગે તળાજાના ધારાસભ્યએ તળાજા એસ.ટી વિભાગમાં કરી રજૂઆત કરી હતી. છતાં હજુ કોઈ ઉકેલ આવ્યો નથી