અમદાવાદના ઓઢવમાં 16 કરોડના ખર્ચે દિવ્યાંગો માટે બનેલા CRC કેન્દ્રનું 12મી ઓગસ્ટે ઉદઘાટન કરાશે
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા CRC સેન્ટર બનાવાયું છે. જે ગુજરાતમાં પહેલું સેન્ટર છે. જેમાં દિવ્યાંગોના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવાથી લઇને તેમને પગભર બનાવાશે. આ સેન્ટરમાં દિવ્યાંગોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા અને તેમના વિકાસ માટે વિવિધ કામગીરી કરે છે. જેથી રાજ્યભરના દિવ્યાંગોને તેનો લાભ મળશે.
શહેરના ઓઢવ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.16 કરોડના ખર્ચે બનાવેલા CRC સેન્ટરનાં નવા બિલ્ડિંગનું ઉદ્ધાટન કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ડો. વિરેન્દ્ર કુમાર દ્વારા આગામી તા.12મી ઓગસ્ટના રોજ કરાશે. સેન્ટરના નવા બિલ્ડીંગના ઉદ્ધાટન સાથે સામાજિક, ન્યાય અધિકારીતા અને એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વીથ ડિસેબિલિટી કનસ્લટેટિવ કમિટીની બેઠક પણ આ નવી બિલ્ડીંગમાં યોજાશે. આ ઉપરાંત આ સેન્ટર પરથી દ્રષ્ટીહીન દિવ્યાંગોને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત લેપટોપ અને મોબાઇલ ફોન પણ વિનામૂલ્યે આપવામા આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા દરેક રાજ્યમાં એક કંપોઝીટ રિઝનલ સેન્ટર ફોર રિહેબિલીટેશન, સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વીથ ડિસેબિલિટી (CRC) શરૂ કરાયું છે. આ સેન્ટરમાં દિવ્યાંગોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા અને તેમના વિકાસ માટે વિવિધ કામગીરી કરે છે. નોંધનીય છે કે અગાઉ શહેરના ઓઢવ ખાતે એક નાની ઓફિસમાં છેલ્લા 10 વર્ષથી CRC સેન્ટર ચાલતું હતુ. ત્યારબાદ કેન્દ્ર સરકારે આધુનિક સુવિધાઓવાળું CRC નું નવુ બિલ્ડિંગ બનાવાનુ આયોજન કર્યું. જેના ભાગરૂપે ઓઢવ ભિક્ષુકગૃહ પાસે રૂ.16 કરોડના ખર્ચે આ સેન્ટરનું નવું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સેન્ટરમાં દિવ્યાંગોને સાધન સહાયથી લઇને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અત્યારસુધી મોટાભાગના દિવ્યાંગોને કૃત્રિમ હાથપગ, વ્હીલચેર, ટ્રાઇપોડ, ટ્રાયસીકલ, મોટરવાળી ટ્રાઇસિકલ, કાનના મશીન સહિતના સાધનો લેવા માટે કેમ્પો લાગે તેની રાહ જોવી પડતી હતી. પરંતુ CRC સેન્ટરમાં હવે ગમે ત્યારે દિવ્યાંગો જઇને વ્હીલચેર, ટ્રાયસીકલ સહિતના સાધનોની સહાય મેળવી શકશે. આ સેન્ટરમાંથી દ્રષ્ટ્રીહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓને લેપટોપ અને ફોન પણ અપાશે.