અમદાવાદઃ રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં આયોજિત ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવને સંબોધતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન થયું છે. ગુજરાત અને ભારતભરના રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને પ્રોત્સાહન અને સમર્થન આપવાના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરનાર પ્રથમ રાજ્ય પણ બન્યું છે. એટલું જ નહિ, દેશના વિવિધ સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આ કોન્કલેવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, એ આ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવની પણ સફળતા દર્શાવે છે.
ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અંગે વાત કરતા રમત ગમત મંત્રીએ કહ્યું કે, આ કોન્ક્લેવ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. આ કોન્ક્લેવમાં પિચબુક સ્પર્ધાના શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને રાજ્ય સરકાર તરફથી રૂ. 25 લાખના આકર્ષક રોકડ પુરસ્કારો આપવામાં આવશે, જેનાથી સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને ખૂબ પ્રોત્સાહન મળશે, એવું તેમણે ઉમેર્યું હતું.
હર્ષભાઈ સંઘવીએ વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સના આવા વ્યાપક આયોજન કરવામાં એક પછી એક મોટી સફળતા હાંસલ કરી છે, જેનું તાજું ઉદાહરણ તાજેતરમાં જ ગુજરાતમાં આયોજિત નેશનલ ગેમ્સ પણ છે. રાજ્ય સરકારના સ્પોર્ટ્સ વિભાગે માત્ર 100 દિવસની ચેલેન્જ સ્વીકારીને આ નેશનલ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ.
સ્પોર્ટ્સ પોલીસી અંગે વાત કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકાર સ્પોર્ટ્સ પોલીસીમાં પણ મોટા ફેરફાર લાવી રહી છે. સ્પોર્ટ્સ ક્ષેત્રને અનુરૂપ ટૂંક સમયમાં નવી સ્પોર્ટ્સ પોલીસી પણ જાહેર કરવામાં આવશે. આ પોલીસીથી સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા તેમજ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન મળશે, એવો વિશ્વાસ પણ હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો હતો.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ખેલાડીઓની મળતી સુવિધાઓમાં પણ બદલાવ લાવવા રાજ્ય સરકાર તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે. ખેલાડીઓને કોઈ પણ પ્રકારની નાની તકલીફ લઈને મંત્રી સુધી ન આવવું પડે અને તાત્કાલિક તેનું નિરાકરણ થઈ જાય તેવા પ્રકારનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ખેલાડીઓ તરફથી આવેલા તમામ સજેશન અમે સ્પોર્ટ્સ વિભાગને મોકલ્યા છે અને તેના ઉપર કામ પણ હાલમાં ચાલી રહ્યું છે. આ સાથે સ્પોર્ટ્સની તમામ યોજનાઓમાં નાનાં-મોટાં સૂચનો આવ્યાં છે અને વિભાગે જરૂરથી એમાં ફેરફારો કરવાનું પણ વિચાર્યું છે.
શક્તિ દૂત યોજના અંગે વાત કરતા મંત્રીએ કહ્યું કે, શકિત દૂત યોજનામાં પણ મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અમે રાજ્યના બે લાખથી વધુ ખેલાડીઓને ઈ-મેલ મારફતે શક્તિ દૂધ યોજનામાં કેવા પ્રકારના બદલાવ કરવા જોઈએ, એ માટેના સૂચનો મંગાવ્યા હતા. જેમાં 80 ટકાથી વધુ સૂચનોનો આ યોજનામાં અને પોલીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, આવનારા સમયમાં નવા બદલાવ સાથે શક્તિ દૂત યોજના લોન્ચ કરવામાં આવશે. કાર્યક્રમનાં અંતમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, હવે સ્પોર્ટ્સ માત્ર ખુશી અને ફિટનેસ સાથે સંકળાયેલું ક્ષેત્ર નથી રહ્યું પણ આજે સ્પોર્ટ ક્ષેત્ર અનેક લોકોને રોજગારી આપતું પ્લેટફોર્મ પણ બની ગયું છે.