પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં 1800 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થાઓ ઊભી કરવાની નેમ રાખી છે. આવા ઓકસીજન પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક પ્લાન્ટનું આપણે લોકાર્પણ સંપન્ન કર્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રૂ. ૬૦ લાખના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયેલા આ ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટથી પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજન જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઇ શકશે. એટલું જ નહીં, ૧૩ કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતાના આ પ્લાન્ટથી એક સાથે ૪૦ સિલીન્ડર ભરી શકાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં ખુબ જ ઝડપથી કેસો વધ્યા, ઓક્સિજન બેડ તેમજ ઓક્સિજનની જરૂરિયાત પણ ખુબ મોટી માત્રામાં ઊભી થઈ હતી. ત્યારે કેન્દ્ર સરકારે એરફોર્સના વિમાનો તેમજ રેલવે દ્વારા ઓક્સિજનને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડ્યો હતો. ગુજરાતમાં ઓક્સિજન સામાન્ય રીતે જે ખપત 250 ટન રહેતી હતી એ બીજી લહેરમાં ઓક્સિજનની 1200 ટન ખપત થવા લાગી હતી. ત્યારે કેન્દ્ર સરકારે ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન જેવી તમામ પ્રકારની મદદ ગુજરાતને કરી હતી. આ બીજી લહેરમાં પણ ઓક્સિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં સુનિશ્વિત કર્યો હતો.
કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યમાં ઓક્સિજનની અછતને કારણે દર્દીઓના મૃત્યુ થયા હતા પણ ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજનના અછતને કારણે થયું નથી. એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.