અંબાજી ખાતે “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો શુભારંભ
અમદાવાદઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 મી ફેબ્રુઆરી સુધી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો.
ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ પરબતભાઇ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, અંબાજી મંદિરના વહીવટદારસુ સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. જે નિમિતે સાંસદ પરબતભાઇ પટેલે યંત્ર અને માતાજીની આરતી કરી માઇભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે પાંચ દિવસીય મહોત્સવમાં કરાયેલ આયોજન અને વ્યવસ્થાઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં રહેવા, જમવા અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુંદર સુવિધાઓનું આયોજન કરાયું છે. રોજેરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે જેનો લાભ લેવા યાત્રિકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 62 કરોડના ખર્ચે 51 શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો ભક્તો લઈ શકે એવું સુંદર આયોજન કર્યું છે ત્યારે જિલ્લા વહીવટ તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેનો સૌ માઇભક્તો, ભાવિક શ્રદ્ધાળુઓને લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધીઓ, ભજનમંડળીઓ, સેવાભાવી સંસ્થાઓ અને મોટી સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.