પશ્ચિમ બંગાળમાં સગીરાની છેડતીની ઘટના, સ્થાનિકોમાં રોષ
- ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના ઘરે કરી તોડફોડ
- પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની કેજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના હજુ ભૂલાઈ નથી. આ ઘટનામાં સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યાં હતા. એટલું જ નહીં પશ્ચિમ બંગાળના તબીબો સમગ્ર ઘટનાને લઈને વિરોધ કરી રહ્યાં છે. હાલ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાની ઘટના બાદ મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. મહિલાઓની સુરક્ષાના મુદ્દે પણ વિપક્ષ મમતા સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન પરગણાના મધ્યગ્રામમાં એક સગીર છોકરીની છેડતીનો મામલો સામે આવ્યો છે. જેથી ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘર અને તેના સંબંધીની દુકાનમાં તોડફોડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરગણાના મધ્યમગામમાં, સગીર છોકરીની છેડતીના આરોપમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘર અને તેના સંબંધીની દુકાનમાં તોડફોડ કરી. આ દરમિયાન પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સિવાય સ્થાનિક ટીએમસી પંચાયત સભ્યના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે પંચાયત સભ્યના પતિએ વચેટિયાની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હતો.