રાજકોટઃ ગિરનારના જંગલમાં સિહોની વસતીમાં વધારો થતાં હવે વનરાજો રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે. અને અમરેલી અને પોરબંદર જિલ્લામાં સિંહોના વસવાટ બાદ હવે તો રાજકોટ જિલ્લાના ગોંડલ, જસદણ અને જેતપુર વિસ્તારમાં પણ સિંહ જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તારોનો બૃહદ ગીર વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વિસ્તારોમાં જે ખુલ્લા કૂવા હોય તે બાંધી દેવાની શરુઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ફોરેસ્ટ વિભાગે 20 જેટલા ખુલ્લા કૂવા બાંધવાની શરુઆત કરી દીધી છે. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગે ખેડૂતોને દિવસ દરમ્યાન વિજળી આપવા માટે સરકારને દરખાસ્ત કરી દીધી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ ખાસ કરીને ગોંડલ, જસદણ, જેતપુર અને રાજકોટ તાલુકાના કેટલાક વિસ્તારોમાં સિંહો જોવા મળી રહ્યા છે. સિંહો પરિવાર સાથે આ વિસ્તારમાં વસવાટ પણ કરવા લાગ્યા છે. ત્યારે હવે સરકારે ગોંડલ તાલુકો, જસદણ તાલુકો અને જેતપુર તાલુકો તેમજ રાજકોટ તાલુકાના અમુક વિસ્તારોનો બૃહદગીર વિસ્તારમાં સમાવેશ કરી લીધો છે. વર્ષ 2008થી ઉપરોક્ત આ વિસ્તારોમાં સતત સિંહો દેખાઇ રહ્યા છે. આ વિસ્તારોમાં સિંહને ખોરાક પાણી અને મોકળાશ માટે અનુકુળ થઇ જતાં સિંહોની સતત અવરજવર આ વિસ્તારોમાં થઇ રહી છે. તાજેતરમાં જ ગોંડલ વિસ્તારમાં સિંહ અને સિંહણની એન્ટ્રી થઇ હતી.ગોંડલ, જસદણ જેતપુર સહિતના વિસ્તારોમાં સિંહોની સતત અવરજવરને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા આ ત્રણેય તાલકાનો બૃહદગીરમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ફોરેસ્ટ વિભાગના સુત્રોના કહેવા મુજબ રાજ્ય સરકારે ઉપરોક્ત વિસ્તારોમાં સિંહોને મુક્ત રીતે હરવા-ફરવા દેવા અને સિંહ તથા તેના પરિવારને કોઇ સમસ્યા ન થાય તે જોવા માટે પણ વન વિભાગને સુચના આપી છે. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગને રાજ્ય સરકાર દ્વારા ગોંડલ, જસદણ અને જેતપુર તાલુકો તેમજ રાજકોટ તાલુકાના નાના મોરણકા, ગુંદાસરા સહિતના વિસ્તારોમાં સિંહોને અનુકુળ પડે તે પ્રકારની સુવિધાઓ ઉભી કરવા માટે તાત્કાલીક સર્વે શરુ કરવાનો પણ આદેશ તાજેતરમાં જ અપાયો હતો. આ આદેશના પગલે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં જે ખુલ્લા કૂવા હોય તે બાંધી દેવાની શરુઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ફોરેસ્ટ વિભાગે 20 જેટલા ખુલ્લા કુવા બાંધવાની શરુઆત કરી દીધી છે. સિંહોના નિરીક્ષણ માટે તાત્કાલીક માંચડા ઉભા કરવાની પણ દરખાસ્ત ફોરેસ્ટ વિભાગે કરી દીધી છે. આ ઉપરાંત બૃહદગીરના વિસ્તારોમાં સિંહોના સંરક્ષણ માટે લોકજાગૃતિના કાર્યક્રમો પણ શરુ કરી દેવામાં આવ્યા છે.
ફોરેસ્ટ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગોંડલ, જસદણ, જેતપુર તાલુકો અને રાજકોટ તાલુકાનો અમુક ભાગ બૃહદગીરમાં સમાવીષ્ટ કરાયો છે તે અંગેનું નોટીફીકેશન પણ સંભવત: દિલ્હીથી જાન્યુઆરી માસ દરમ્યાન સત્તાવાર રીતે બહાર પડી જાય તેવી પણ પુરતી શક્યતા છે.