જામનગરઃ જિલ્લાના મોટા ગણાતા હાપા માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં છેલ્લા ચાર દિવસથી મગફળીની સતત આવકથી યાર્ડ ઊભરાઈ ગયું છે. ગુરૂવારે સવારના સાત વાગ્યા સુધીમાં 280 વાહનો સાથે 21000 ગુણી આવક થઈ હતી. યાર્ડમાં મગફળી વધી જતા હવે નવી આવક પર આગામી જાહેરાત સુધી રોક લગાવી દેવામાં આવી છે. જગ્યાના અભાવે હાલ યાર્ડમાં નવી આવક પર રોક લગાવવામાં આવ્યો છે. દરમિયાન તામિલનાડુ સહિતના રાજ્યોના વેપારીઓ મગફળીની ખરીદી માટે હાપા યાર્ડમાં આવ્યા છે. ખેડુતોને પણ ખરીફ ફસલના સારા ભાવ મળી રહ્યા છે.
જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ લાભ પાંચમથી ફરી શરૂ થયુ છે. યાર્ડમાં જણસીની આવક શરૂ થતાની સાથે મગફળીની મબલખ આવક થઈ છે. જેના કારણે ગુરૂવારે મગફળીની નવી આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાપા માર્કેટ યાર્ડમાં ગુરૂવારે તામિલનાડુથી આવેલા વેપારીઓએ મગફળીની ખરીદી કરી હતી, જેથી 66 નંબર અને 9 નંબરની મગફળીની વધુ માગ જોવા મળી હતી. હાપા માર્કેટ યાર્ડમાં 21,000 ગુણી એટલે કે 36, 750 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી, જે સૌથી વધુ આવક ગણવામાં આવી હતી. જેમાં જીણી મગફળીનો ભાવ 1,150થી 2,100 રૂપિયા બોલાયો હતો. જ્યારે જાડી મગફળીનો ભાવ 1,200થી 1,290 રૂપિયા ભાવ બોલાયો હતો.
યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ દિવાળીની રજા બાદ લાભ પાંચમના દિવસથી યાર્ડમાં કામકાજ શરૂ થયુ છે. 18 તારીખે લાભપાંચમના દિવસે મગફળીની આવક શરૂ થતાની સાથે નવી આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે મગફળીની કુલ 16000થી વધુ ગુણીની આવક થઈ હતી. ફરી ચાર દિવસ બાદ યાર્ડમાં 21000 મગફળીની ગુણની આવક થતા ફરીવાર મગફળીની આવક પર રોક લગાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાંથી ખેડુતો પોતાની મગફળી લઈને હાપા યાર્ડમાં આવે છે. મોરબી, સોમનાથ, અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જુનાગઢ જિલ્લાના ખેડુતો જામનગર મગફળી માટે હાપા યાર્ડમાં આવે છે. ખેડુતોને સ્થાનિક કક્ષાના યાર્ડ કરતા અહીના યાર્ડમાં વધુ ભાવ મળતા હોય છે.તેથી મગફળી વેચાણ માટે ખેડુતો હાપા યાર્ડમાં આવતા હોય છે.
દર વર્ષે મોટી સંખ્યામાં તમિલનાડુથી વેપારીઓ હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ખરીદી માટે આવે છે. છેલ્લા 7 વર્ષથી તમિલનાડુથી વેપારીઓ મગફળીની ખરીદી માટે આવે છે. તમિલનાડુમાં વાવેતર માટે સૌરાષ્ટ્રની મગફળીની ખરીદી કરે છે. સૌરાષ્ટ્રની મગફળીની તમિલનાડુમાં માંગ વધતા ભાવમાં ઉછાળો છે. આ વર્ષે તમિલનાડુથી 25 વેપારીઓ મગફળીની ખરીદી માટે આવ્યા છે. એક મણના ભાવ રૂ.1200થી 2200 સુધીનો મગફળીના ભાવ ખેડુતોને મળે છે. સારી મગફળીના ભાવ ખેડુતોને સારા મળે છે. તેથી હાપા માર્કેટીંગ યાર્ડમાં ખેડુતો અન્ય જિલ્લામાંથી મગફળીના વેચાણમાં આવે છે.