જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના 350 બોક્સની આવક, 1500થી 2000 રૂપિયાનો ભાવ બોલાયો
જુનાગઢઃ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લીધે કેસર કેરીના પાકને પણ નુકશાન થયું છે. દરમિયાન આ વખતે પ્રતિકૂળ હવામાનને લીધે કેસરી કેરીના આગમનમાં પણ થોડો વિલંબ થયો છે. હાલ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં આજે 350 જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી. યાર્ડમાં પ્રતિ 10 કિલો બોક્સના 1500થી 2000 રૂપિયા બોલાયા હતા.
સૌરાષ્ટ્રના જૂનાગઢ વિસ્તારના તલાલા-ગીરની કેસર કેરી દેશભરમાં પ્રખ્યાત છે. ઉપરાંત ઊના તેમજ ગીર ગઢડા, ધારી, ચલાલા, સહિતના વિસ્તારોમાં કેસર કેરીના અનેક બગીચાઓ આવેલા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આંબાઓ પર મોર બેઠ્યા બાદ ભારે પવન અને પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના પાકને નુકશાન થયું હતું. જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા માવઠાને કારણે કેરીના પાકને નુકશાન થયું છે. એટલે આ વખતે કેરીની આવક એપ્રિલના પ્રથમ સપ્તાહ બાદ જ વધતાની શક્યતા છે. હાલ માર્કેટ યાર્ડમાં કેરીની જુજ આવક થઈ રહી છે. જેમાં જુનાગઢ માર્કેટ યાર્ડમાં સોમવારે 350 બોક્સની આવક થઈ હતી
માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારીઓના મતે આગામી 15 દિવસ બાદ કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આ વર્ષે આંબે મોર પણ સારા આવ્યા હતા અને કેરીનો ફાલ પણ સારો હતો પરંતુ સૌરાષ્ટ્રમાં આવેલા માવઠાને કારણે કેરીના બગીચાઓમાં 20 ટકા જેટલું નુકસાન છે. પરંતુ કેરીની આવક આ વર્ષે સારી રહેશે. અને આવનારા દિવસોમાં 1500 થી 2000 બોક્સ ની આવક શરૂ થઈ જશે. આવક વધશે એટલે કેરીના ભાવમાં ઘટાડો થશે. હાલ કેરીના 10 કિલો બોક્સના ભાવ રૂપિયા 1500થી 2000ના ભાવ ચાલી રહ્યા છે. ખેડુતોના કહેવા મુજબ માવઠાને કારણે આંબા પરની નાની કેરીઓ ખરી ગઈ છે અને વાતાવરણમાં તાપમાનમાં વધારા ઘટાડાને લીધે ભેજનું પ્રમાણ પણ વધી જતાં કેરીના પાકને નુકશાન થયું છે.