Site icon Revoi.in

ડીસામાર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની 40 હજાર બોરીની આવક, સિંગદાણાની વિદેશમાં થતી નિકાસ

Social Share

ડીસાઃ જિલ્લાના સૌથી મોટા ગણાતા ડીસા માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં પ્રતિદિન 40 હજાર બોરીથી વધુની આવક થઈ રહી છે. જેમાં સોમવારે એક જ દિવસમાં 40,596 તો મંગળવારે 44,440 બોરીની આવક નોંધાઈ હતી. મગફળીના પ્રતિ 20 કિલોના 1200 થી લઈ 1411 રૂપિયાના ભાવ ઉપજી રહ્યા છે.  જે ગત વર્ષની સરખામણીમાં સો રૂપિયા વધારો નોંધાયો છે

બનાસકાંઠાના ખેડૂતો હવે ઉનાળામાં પણ મગફળીનું વાવેતર કરી બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ સાલે ઉનાળામાં અનુકૂળ હવામાનના કારણે મગફળીનું ઉત્પાદન ખુબજ સારુ થયું હતું અને જેના કારણે હાલ ડીસાનું માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે. હાલ સારા ભાવના કારણે ખેડૂતો મગફળીનો સંગ્રહ કરવાની જગ્યાએ વેચવાનું વધુ પસંદ કરે છે. જેના કારણે માર્કેટયાર્ડમાં રોજે 40 હજાર બોરીથી વધુની આવક થઈ રહી છે. જેમાં સોમવારે એક જ દિવસમાં 40,596 તો મંગળવારે 44,440 બોરીની આવક નોંધાઈ હતી.

બનાસકાંઠા જિલ્લાની મગફળી વિશ્વના 13 દેશોમાં નિકાસ થાય છે. જેમાં ચીન, બ્રાઝિલ, આર્જેન્ટિકા, વિહતનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઇન, થાઈલેન્ડ અને ગલ્ફ કન્ટ્રીમાં થાય છે. મગફળીના ભાવ સીંગતેલ અને દાણાની આવક તેની માંગ સાથે પુરવઠા આધારિત રહેતા હોય છે. સીંગતેલની માંગ અને પુરવઠો વધુ હોય તો ભાવ નીચા હોય છે. ગત વર્ષે સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1273 નક્કી કર્યા હતા. તેનાથી વધુ ભાવ મગફળીના ડીસાના ખુલ્લા બજારમાં મળતા ખેડૂતો વધુ પ્રમાણમાં મગફળીના વેચાણ માટે આવ્યા હતા. આ વર્ષે મગફળીના પ્રતિ 20 કિલોના 1200 થી લઈ 1411 રૂપિયાના ભાવ છે જે ગત વર્ષની સરખામણીમાં સો રૂપિયા વધારો નોંધાયો છે.  ખેડૂતોને પોષણક્ષમ નજીકના ભાવ મળી રહ્યા છે.

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળામાં 28,974 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરાયું છે. જેમાં ડીસા તાલુકામાં 12,739 હેક્ટરમાં વાવેતર થયું હતું. ચાલુ વર્ષે મગફળીના ભાવ 1200 થી લઈ 1,411  સુધીના બોલાઈ રહ્યા છે. ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લા દસ દિવસમાં મગફળીની 1,30,000 બોરીની આવક નોંધાઈ ચૂકી છે.  માર્કેટયાર્ડમાં દરરોજની 40,000 જેટલી બોરીની આવક નોંધાઈ રહી છે.