અમદાવાદઃ રાજ્યના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુ, વરિયાળી અને ઇસબગૂલની આવકમાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ વરિયાળીમાં ચાલુ વર્ષે નિકાસ વધશે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ઊંચા ભાવ હોય ત્યારે દોઢથી બે લાખ બોરીની નિકાસ થતી હોય છે પરંતુ આ વખતે નિકાસ વધીને અઢીથી ત્રણ લાખ બોરીની થઇ હોવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં વરિયાળીનું સારૂએવું ઉત્પાદન થાય છે. વરિયાળીના પાકના સારા ભાવ મળતા હોવાથી વાવેતરમાં પણ વધારો થયો છે. આ મહિનામાં યાને ઓગસ્ટ મહિનાથી રોપણીથી નવા વાવેતર થશે. હાલમાં વરયાળીના ભાવ ઊંચા હોવાના કારણે વાવેતર સારા પ્રમાણમાં થવાનું વેપારીઓ માની રહ્યા છે. ચાલુ વર્ષે 12 લાખ બોરીનું ઉત્પાદન થયુ હતુ. તેમાં જૂનો માલ 40થી 50 હજાર બોરીનો કેરીફોરવર્ડ થયો હતો. ખેડૂતોને ભાવ ઊંચા મળ્યા હોવાથી આ વખતે વરિયાળીના વાવેતર ઝોક રહેવાની સંભાવના છે. જ્યારે શિયાળામાં દરેડીથી વાવેતર થશે આમ એકંદરે વાવેતર વિસ્તાર વધે તેમ છે. આખો ઓગસ્ટ મહિનામાં રોપણીથી વાવેતર થયા બાદ જ સાચા આંકડાઓ પ્રાપ્ત થશે.
યાર્ડના ત્રોએ ઉમેર્યું હતું કે, વિતેલા સપ્તાહે જીરામાં લેવાલીના અભાવે વેપારમાં ઘટાડો અનુભવાયો હતો. બહારથી ચારથી પાંચ હજારની આવકો સામે આઠથી નવ હજાર બોરીના વેપાર રહ્યા હતા. સપ્તાહમાં જીરામાં લેવાલી ન હોવાના કારણે રૂ. 40થી 50 નરમ રહ્યુ હતુ. હલકા માલના રૂ. 3950, મીડિયમના રૂ. 4000થી 4050 અને સારા માલના રૂપિયા 4200થી 4400 રહ્યા હતા. વરિયાળીમાં આશરે 100થી 200 બોરીની આવક સામે અઢીથી ત્રણ બોરીના વેપાર થાય છે. તેમાં હલકા માલના રૂ. 2200, મીડિયમના રૂ. 2400થી 2500 અને બેસ્ટ કલર માલના રૂ. 2600થી 2900ના ભાવ રહ્યા હતા. જ્યારે આબુ રોડ ક્વોલિટીના રૂ. 3300થી 4000ના ભાવ રહ્યા હતા.જ્યારે ઇસબગૂલમાં 1500થી 2000 બોરીની આવક રહી હતી તેમાં આશરે પાંચથી સાડા પાંચ હજાર બોરીના વેપાર થયા હતી. તેમાં દેશાવરોની માગ સારી હોવાનું વેપારીઓ જણાવે છે તેના જનરલ ભાવ રૂ. 2950થી 3150 ચાલી રહ્યા છે. ઉપરાંત અજમામાં ઘરાકી સાવ ઢીલી પડી જતા હલકા માલના રૂ. 1400થી 1700, સારા માલના રૂ. 2000થી 2300 રહ્યા હતા. તેમાં આશરે રૂ. 100થી 150નો ઘટાડો થયો છે. પહેલા કોરોનાના કારણે ઉકાળામાં વપરાશને કારણે તેજી રહી હતી. હવે ઘરાકીનો અભાવ છે. ઉનાળુ તલમાં બે હજાર બોરીની આવક સામે એટલા જ વેપાર રહ્યા હતા.