રાજકોટ: સૌરાષ્ટ્રમાં રવિ સીઝન પૂર્ણ થઈ છે. અને ખેડુતો રવિપાક વેચવા માટે માર્કેટ યાર્ડ્સમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં બુધવારે પીળા ચણા અને મગફળીની સારીએવી આવક થઈ હતી. વહેલી સવારથી જ માર્કેટ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. યાર્ડમાં મગફળી અને પીળા ચણાની સાથે સાથે કપાસ અને બટાકાની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી.
રાજકોટ યાર્ડમાં બુધવારે સૌથી વધારે પીળા ચણાની મબલક આવક થઈ હતી. પીળા ચણાની યાર્ડમાં 11 હજાર ક્વિન્ટલ આવક થઈ હતી.પીળા ચણાના એક મણના 1080થી 1245 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા હતા. જ્યારે મગફળીની 6 હજાર ક્વિન્ટલ કરતા વધારે આવક થઈ હતી. યાર્ડમાં જાડી મગફળીની 3600 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની 3000 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ જાડી મગફળીના 1120 થી 1345 અને જીણી મગફળીના 1100થી 1241 રૂપિયા ભાવ બોલાયો હતો. આ ઉપરાંત કપાસની 3200 ક્વિન્ટલ આવક થઈ હતી. અને એક મણ કપાસના ખેડૂતોને 1275 થી 1531 રૂપિયા મળ્યા હતા
રાજકોટ માર્કેટ યાર્ડમાં બુધવારે લાલ સુકા મરચાની 300 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 1100 થી 3600 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં બટાકાના પાકની 3120 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350થી 600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. ઉપરાંત લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000થી 2600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં લીંબુની આવક 280 ક્વિન્ટલ થઈ હતી. તેમજ ટામેટાની 382 ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના 200થી 300 રૂપિયા એક મણનો બોલાયો હતો. ટામેટાની સાથે સાથે મરચાની 250 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 300થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા