તાલાળા ગીરઃ દેશભરમાં તાલાળા પંથકની કેસર કેરીની માગ રહેતી હોય છે. ત્યારે તલાળા યાર્ડમાં કેસર કેરીની આવક વધી રહી છે. શનિવારે તાલાલા યાર્ડમાં કુલ 10,770 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી અને હરાજીમાં કેસર કેરી 10 કિલો બોક્સનો ભાવ 500 રૂપિયાથી 1250 બોલાયો હતો. જ્યારે જુનાગઢ યાર્ડમાં પણ કેસર કેરીની આવક વધતી જાય છે. તેમજ ગોંડલ યાર્ડમાં પણ શનિવારે 26452 બોક્સ કેરીની બમ્પર આવક થઈ હતી. કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 650 થી 1000 રૂપિયા બોલાયો હતો.
ગીર પંથકમાં આ વર્ષે ગત વર્ષની તુલનાએ કેસર કેરીનો પાક ઓછો ઉતરી રહ્યો છે. આ વર્ષે કેરીના પાકને અનુકુળ આબોહવા નહતી મળી. એટલે આંબામાં કોરામણ આવતા તૈયાર પાક ખરી પડ્યો હતો. જેના કારણે શરૂઆતમાં પાક ઓછો હોવાથી કેરીની આવક ધીમી રહી હતી અને ભાવ ઊંચા બોલાયા હતા. જો કે હવે કેરીનું ઉત્પાદન સારું થઈ રહ્યું છે. હજુ એકાદ મહિનો કેરીની સિઝન ચાલું રહેશે. હવે જો આવી જ આવક યથાવત રહેશે તો, કેસર કેરીના ભાવ ઘટવાની પણ શક્યતા છે,
યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલાલા શહેરમાં માર્કેટીંગ યાર્ડ ઉપરાંત શહેરના પણ અલગ અલગ વિસ્તારોમાં કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ દ્વારા કેસર કેરીની જથ્થાબંધ ખરીદીઓ શરૂ થઈ હોય મોડી રાત્રી સુધી કેસર કેરીના કામકાજ ચાલી રહ્યા છે.
જુનાગઢ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતુ કે, તા. 11મે ના રોજ કાચી કેરીની 943 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણના 2,100 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. જયારે એક મણનો નીચો ભાવ 600 રૂપિયા સુધીના નોંધાયા હતા. છેલ્લા 2 દિવસથી ત્યારે સારી અને ગુણવત્તાયુક્ત કેસર કેરીનો ભાવનો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક બોક્સના 1,000 થી 1,500 રૂપિયા વચ્ચે બોલાયા હતા.