ભાવનગરઃ ગત સોમાસામાં પડેલા સારા વરસાદને કારણે શિયાળામાં સિંચાઈનું પાણી મળી રહેતા સોરાષ્ટ્રભરમાં રવિપાકનું સારૂ ઉત્પાદન થયું છે. જેમાં ભાવનગર સહિતના જિલ્લાઓમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં પ્રતિદિન અઢીલાખથી વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. ડુંગળીના ભાવમાં પાછલા વર્ષે તેજી રહેતા આ વર્ષે ખેડૂતોએ ડુંગળીનું વધુ વાવેતર કર્યું હતું. અને હવે પાક તૈયાર થઈ જતાં આવકોએ વેગ પકડવા લાગ્યો છે એટલે ભાવ પણ સડસડાટ નીચે ઉતરવા લાગ્યા છે. ડુંગળીની આવક સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવે દૈનિક અઢી લાખ ગુણીને પાર નીકળી ચૂકી છે ત્યારે ગરીબોની કસ્તુરી સામાન્ય લોકોને પરવડે તેવી થઇ જશે પણ ખેડૂતોને માટે માઠાં દિવસો શરૂ થશે. સૌરાષ્ટ્રમાં કુલ 2.60 લાખ ગુણીની આવક થઇ હતી.એમાં આશરે 65-70 હજાર ગુણી જેટલો જથ્થો સફેદ ડુંગળીનો હતો. જ્યારે બાકીનો જથ્થો લાલ ડુંગળીનો આવ્યો હતો. લાલ ડુંગળીના ભાવ અત્યારે સરેરાશ રૂ.350-400 સુધી બોલાય છે. આવકોનો પ્રવાહ વધતા રૂ. 200ની અંદર ઉતરી જાય તેવી સંભાવના છે. સફેદ ડુંગળીના ભાવ પણ રૂ. 200ની આસપાસ પહોંચી ચૂક્યાં હોવાથી હવે ડિહાઇડ્રેશન પ્લાન્ટવાળાની માગ ખૂબ નીકળી છે. જોકે સફેદનો પાક ઓછો છે એટલે તેના ભાવ થોડાં વધવાની શક્યતા છે.
મહુવા માર્કેટ યાર્ડમાં ગઈકાલે લાલ ડુંગળીની સૌથી વધારે 52 હજાર ગુણી આવક થતા મણે રૂ. 60-410ના ભાવથી વેચાણ થયું હતુ. જ્યારે સફેદ ડુંગળીની 53374 ગુણીની આવક થતા રૂ.130-272માં વેચાઇ હતી. મહુવામાં ચિક્કાર આવક થતી હોવાથી ખેડૂતોને શક્ય હોય ત્યાં સુધી માલ ન લાવવાની સૂચના પણ આપવામાં આવી છે.
રાજકોટ શહેરમાં 60 હજાર ગુણી આવક થતા રૂ. 125-265ના ભાવથી લાલ ડુંગળીના કામકાજ થયા હતા. ગોંડલ યાર્ડમાં લાલ ડુંગળીની આવક 30,600 ગુણી થતા રૂ. 71-326ના ભાવ રહ્યા હતા. સફેદ ડુંગળીના સોદા ગોંડલમાં રૂ. 111-211માં થયા હતા. ગોંડલમાં ચિક્કાર આવક થતી હોવાથી વારંવાર આવક બંધ કરવી પડે છે. મંગળવારે મોડી સાંજે આવક શરૂ કરવામાં આવી હતી. જોકે એ પૂર્વે યાર્ડની આસપાસના વિસ્તારમાં’ ચારેક કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી ગઇ હતી. ખેડૂતો ખૂબ ડુંગળી લઇને આવતા હોવાથી હવે ભાવ તૂટશે. ભાવનગર માર્કેટ યાર્ડમાં 53500 ગુણીની આવક થતા રૂ. 150-362માં કામકાજ થયા હતા. સફેદની આવક 1900 ગુણી થતા રૂ.150-195માં સોદા થયા હતા.