Site icon Revoi.in

ભાવનગરના તળાજા માર્કેટયાર્ડમાં મગફળી, તલ, બાજરી સહિત ઉનાળું પાકની આવક

Social Share

ભાવનગરઃ જિલ્લામાં આ વર્ષે ગત વર્ષની તુલનાએ ઉનાળું પાકનું સારૂએવું વાવેતર થયું હતું. જેમાં શેત્રુંજી ડેમમાં પાણીની સંતોષકારક સ્થિતિને કારણે તળાજા વિસ્તારમા ઉનાળુ વાવેતર ગત વર્ષ કરતાં અધિક પ્રમાણમાં થતા તળાજા માર્કેટ યાર્ડમાં નવી મગફળી, તલ અને બાજરી જેવા ઉનાળુ પાકોની ધીમી છતા મક્કમ આવક શરૂ થઈ છે. ઉપરાંત રવિ સીઝનના ઘઉં અને કપાસ પણ ઠીક ઠીક પ્રમાણમાં વેચાણ માટે આવી રહ્યા છે.

તળાજા તાલુકામાં શેત્રુંજી ડેમની સિંચાઈ યોજવાનો લાભ મળતો હોવાથી  જિલ્લામાં કૃષિ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. છેલ્લા અઠવાડિયાથી તળાજા માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનની મગડી અને જી.20 મગફળીની કુલ દૈનિક સરેરાશ 2000 થી 2500 ગુણી તથા તલની 2500 થી વધુ ગુણીની આવક થઈ રહી છે, ઉપરાંત બાજરીની દૈનિક 700 થી 1000 ગુણની આવક. તેમજ મગ અને અડદ જેવા કઠોળ પાકોની પણ સારી એવી આવક શરૂ થઈ ગઈ છે. જિલ્લાનાં ઉનાળુ સીઝનનાં પાકનાં કુલ 53,547 હેકટરનાં વાવેતરમાં તળાજા તાલુકાનો હિસ્સો 23,421 હેકટરનો રહયો છે. જેમાં મગફળી 4,212 હેક્ટર , બાજરી 4,850 હેકટર,તલ 3,774 હેકટર, ઘાસચારો 8,252 હેકટર, ડુંગળી 402 હેકટર, મગ 746 હેક્ટર અડદ 284 હેક્ટર, તેમજ શાકભાજી 832 હેક્ટર મુખ્યત્વે ઉનાળુ વાવેતર થયું છે આ પાક તૈયાર થતા તળાજા માર્કેટ યાર્ડ ધીમે ધીમે ઉનાળુ ખેત જણસીઓથી  આવકથી ધમ ધમતું થતું જાય છે.

તળાજા માર્કેટ યાર્ડના સત્તાધિશોએ ખેડુતોને અપીલ કરી છે. કે, હાલ મગફળી તલ તથા અનાજ, કઠોળની આવક પુષ્કળ પ્રમાણમાં હોય માર્કેટ યાર્ડના શેડ ભરાયા બાદનો માલ ખુલ્લો ઉતારવો પડે તેમ હોય ખેડૂતો  અને વાહન માલિકોને પોતાના માલની સલામતી માટે માલને ઢાંકવા માટે તાડપત્રી કે પ્લાસ્ટિક અચૂક સાથે લાવે તેવી વિનંતી છે. (file photo)