- આજે ઈન્કમ ટેક્સ ડે
- ભારતમાં અંદાજે 1.46 કરોડ લોકો ભરે છે ટેક્સ
- સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના આંકડા
દિલ્લી: દેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના આંકડા મુજબ વર્ષ 2018-19માં દેશમાં માંડ 1.46 કરોડ લોકોએ ટેક્સ ભર્યો હતો. દેશની 130 કરોડની વસતીમાં 2 ટકા લોકો પણ ઈનકમ ટેક્સ ભરતા નથી. બીજી તરફ વિદેશ યાત્રા કરનારા, મોંઘી પ્રોપર્ટી ખરીદનારા, ગાડીઓ ખરીદનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના કહેવા પ્રમાણે 2018-19માં માત્ર 46 લાખ કરદાતાઓએ પોતાની આવક 10 લાખથી ઉપર બતાવી હતી. એક કરોડ લોકોએ પોતાની આવક પાંચથી 10 લાખ રુપિયા દર્શાવી હતી. સરકારે લેટેસ્ટ આંકડા તો જાહેર કર્યા નથી પણ ટેક્સ ભરનારાઓની સંખ્યામાં બહુ ફેર પડ્યો હોય તેવી આશા ઓછી છે.
આજે ઈનકમટેક્સ ડે છે પણ જ્યાં સુધી ટેક્સ ભરવાની વાત આવે છે તો ભારતીયો ટેક્સ ભરવામાં બહુ પાછળ છે. જો વાત કરવામાં આવે ત વર્ષની તો કુલ 5.78 કરોડ લોકોએ રિટર્ન ભર્યુ હતુ અને તેમાંથી 1.03 કરોડ લોકો એવા હતા જેમણે પોતાની આવક 2.5 લાખથી નીચે દર્શાવી હતી. જ્યારે 3.29 કરોડ લોકોએ પોતાની વાર્ષિક આવક 2.5 લાખથી પાંચ લાખ વચ્ચે હોવાનુ દર્શાવ્યુ હતુ.
નોંધનીય છે કે સરકારે પાંચ લાખ રુપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લેવાની જાહેરાત કરેલી છે અને ડાયરેક્ટ ટેક્સ ભરવામાં 98 ટકા નાગરિકોનુ કોઈ યોગદાન નથી. જો વાત કરવામાં આવે વિકસીત દેશોની તો ત્યાં 50 ટકા જેટલા લોકો ઈનકમ ટેક્સ ભરે છે.
વિદેશ યાત્રાની વાત કરવામાં આવે તો 2019માં 3 કરોડ લોકોએ વિદેશ યાત્રા કરી હતી અને 2021માં લક્ઝરી કારોના વેચાણમાં 167 ટકાનો વધારો થયો છે. જુન મહિનામાં જ 2.55 લાખ કારો વેચાઈ છે.જ્યારે 2020-21માં કુલ 27 લાખ કારોનુ વેચાણ થયુ છે. કોરોના કાળમાં દેશના આઠ મોટા શહેરોમાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 વચ્ચે 61000 મકાનો વેચાયા છે.
જો કે જાણકારો દ્વારા તે વાતને લઈને પણ ભાર મુકવામાં આવ્યો કે જો ભારતમાં કૃષિ આવકને ટેક્સમાંથી બાકાત રાખવામાં આવી છે પણ જે અમીર ખેડૂતો છે તે વૈભવી ગાડીઓ લઈને ફરે છે. જોકે તેમની સંખ્યા માંડ 4 ટકા છે પણ જો તેમને ટેક્સના દાયરામાં લાવવામાં આવે તો 25000 કરોડ રૂપિયાનો ટેક્સ મેળવી શકાય તેમ છે. ઉપરાંત ખેતી કાળા નાણાને સફેદ કરવાનુ સાધન બની ગઈ છે. હજારો લોકો કરોડો રૂપિયાની કમાણીને ખેતીની આવક દર્શાવીને ટેક્સ ભરતા નથી. દેશમાં જ્યાં સુધી ટેક્સ ભરનારા લોકોની સંખ્યામાં વધારો નહી થાય ત્યાં સુધી ભારતને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. વધારે ટેક્સ ભરનારા લોકો દેશમાં આગળ આવશે ત્યારે દેશનું અર્થતંત્ર વધારે મજબૂત થશે.