નવી દિલ્હીઃ દેશમાં પ્રત્યક્ષ ટેક્સ સંગ્રહમાં ભારે ઉછાળો આવ્યો છે. એડવાન્સ ટેક્સ સંગ્રહ ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બરે 30 ટકાથી વધીને 8.36 લાખ કરોડ રુપિયા થઈ ગયો છે. નાણા મંત્રાલયે જાણકારી આપતા કહ્યું હતું કે, ગત વર્ષના સમાન સમયગાળામાં 6.42 લાખ કરોડની તુલનામાં 30 ટકા વધુ છે, જ્યારે દેશનો સીધો વેરો 7 લાખ 669 કરોડ રુપિયા થયા છે. જે ગત નાણાકીય વર્ષના સમયગાળાની તુલનામાં 23 ટકા વધુ છે.
નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન સમાન સમયગાળામાં પ્રત્યક્ષ ટેક્સ 5.68 લાખ કરોડ રુપિયા હતો. જેમાં 3.68 લાખ કરોડ કોર્પોરેટ ટેક્સથી આવ્યા છે, જયારે બાકીના 3.31 લાખ કરોડ પર્સનલ આવકવેરા દ્વારા આવ્યાં છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નની પ્રક્રિયાની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મહિનાની 17મી તારીખ સુધી લગભગ 93 ટકા યોગ્ય રીતે ચકાસાયેલ ITRની પ્રક્રિયા કરવામાં આવી છે. આના પરિણામે 2022-23માં ચુકવણી કરાયેલા રિફંડની સંખ્યામાં લગભગ 468 ટકાના વધારો થયો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં એક લાખ 35 હજાર કરોડ રૂપિયાથી વધુના રિફંડ ચૂકવવામાં આવ્યા છે.