અમદાવાદમાં ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા
- શહેરમાં ચાર સ્થળો ઉપર તપાસનો ધમધમાટ
- કેટલાક વાંધાનજક દસ્તાવેજ મળ્યાનું જાણવા મળે છે
- દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા
અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોની વચ્ચે આવકવેરા વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે અને શહેરમાં ફટાકડાના જાણીતા વ્યવસાયી જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. આ ગ્રુપના લગભગ ચાર સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની શકયતા છે. આઈટીની તપાસના ધમધમાટને પગલે ફટાકડાના અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. દિવાળી પહેલા પણ વડોદરામાં ફટાકડાના એક વેપારી ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડીને તપાસ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા એક મોટા જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. આ જૂથના રાયપુરમાં બે વ્યવસાયના સ્થળો અને શિવરંજની ચાર રસ્તા તથા એસજી હાઈવે ઉપર આવેલા સ્થળો ઉપર આઇટીની ટીમ પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આઇટી અધિકારીઓનું સર્ચ ઓપરેશન ચાલુ હતું. આ સર્ચ ઓપરેશનમાં કરોડોના બેનામી વ્યવહાર ઝડપાય તેવી શક્યતા છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂથ દ્વારા અમદાવાદ તેમજ આસપાસના શહેરમાંથી પણ લાખો રૂપિયાના ફટાકડાનું વેચાણ કરાયું હતું. આવકવેરા વિભાગના દરોડામાં કેટલાક વ્યવહારના દસ્તાજેવો મળી આવ્યાં હતા. આ ઉપરાંત મહત્વના દસ્તાવેજો મળી આવ્યાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા અમદાવાદના આ જાણીતા જૂથ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં નાના વેપારીઓને પણ ફટાકડા પુરા પાડવામાં આવતા હોવાનું જાણવા મળે છે.