જાણીતી શૈક્ષણિક સંસ્થા ઉપર આવકવેરા વિભાગના દરોડા
અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં આવકાવેરા વિભાગે ખાનગી શૈક્ષણિક સંસ્થામાં દરોડા પાડ્યાં હતા. દરોડાને પગલે યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગે સુરેન્દ્રનગરના ચોટીલમાં પણ તપાસ કરી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં એસ.જી.હાઈવે નજીક આવેલી એક શૈક્ષણિક સંસ્થાના સંચાલકો અને તેમના વ્યવસાય અને નિવાસસ્થાન ઉપર દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં 100થી વધારે અધિકારીઓ જોડાયાં હતા. અમદાવાદ ઉપરાંત તેના કનેકશનમાં ચોટીલામાં પણ ઇન્કમટેક્સે દરોડા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંસ્થાને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો મેળવ્યા પૂર્વે અન્ય યુનિવર્સિટી સાથે કોલેજ તરીકે જોડાયેલી હતી. 2009માં કોલેજ શરુ થયા બાદ તબક્કાવાર વિસ્તરણ કરીને તાજેતરમાં ખાનગી યુનિવર્સિટી તરીકેની માન્યતા મેળવી હતી.
ખાનગી યુનિવર્સિટી બન્યા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો હતો. જુદા-જુદા અભ્યાસક્રમોના ડીપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, વર્ગોમાં અંદાજીત 15000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું જાહેર થયું છે. આવકવેરા વિભાગના દરોડામાં કરોડોની કરચોરી પકડાવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.