Site icon Revoi.in

વાહનોમાં એલઈડી હેડલાઈટ્સને લીધે રાત્રે અકસ્માતોના બનાવમાં વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાતના સમયે અકસ્માતોના સૌથી વધુ બનાવો બની રહ્યા છે. રાત્રે વાહનોમાં લગાવેલી વધુ સફેદ પ્રકાશ ફેંકતી એલઈડી લાઈટને કારણે પણ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. આમ તો વાહનોમાં એલઈડી હેડલાઈટ પર પ્રતિબંધ છે, પણ એનું વાહનચાલકો પાલન કરતા જ નથી. વાહનોમાં એલઈડી હેડલાઈટને લીધે રાતના સમયે સામેથી આવતા વાહનચાલકો જોઈ શક્તા જ નથી. તેથી ગંભીર અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે આરટીઓ અને હાઈવે પેટ્રોલિંગ પોલીસ વધુ એલઈડી લાઈટ્સ ફેંકતા વાહનચાલકો સામે પગલા ભરે એવી માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક વર્ષ પહેલા ફોર વ્હીલર વાહનોમાં એલઇડી હેડલાઇટ લગાવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. તેમ છતાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર વધુ પ્રકાશ ફેકતી એલઈડી હેડલાઈટ્સ સાથે વાહનો બેરાકટોક દાડી રહ્યા છે. તાજેતરમાં અંજાર-ગાંધીધામ વચ્ચે ગળપાદર હાઇવે પાસે થયેલા એક સામાન્ય અકસ્માતમાં સામેથી આવતી કારમાંથી તીવ્ર સફેદ પ્રકાશ બાઇક સવારની આંખોમાં પડતાં તેને અંધારા આવી જતાં તેને સંતુલન ગુમાવી સામે જતા ટ્રેઇલરે અથડાયો હતો. સદ્દનસિબે આ અકસ્માતમાં બાઇક ચાલકને ફેક્ચર સહિતની ઇજા થઇ હતી,

હાઈવે પર દોડતા વાહનો પર પ્રતિબંધીત એલઇડી હેડ લાઇટો હોય તો તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી રહી છે. જરૂરત કરતા વધારે પ્રકાશવાળી સફેદ લાઇટના કારણે અન્ય વાહન ચાલકોની આંખો અંજાઇ જતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અકસ્માતનું જોખમ ઉભું કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી પણ કેટલાક વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત બાઇકના સાયલન્સરને મોડીફાય કરાવીને તેમાંથી ધ્વનિ પ્રદુષણ સર્જનારા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.