Site icon Revoi.in

દહેગામ-ગાંધીનગર હાઈવે પર સતત ટ્રાફિકના ભારણથી અકસ્માતોના બનાવોમાં વધારો

Social Share

ગાંધીનગરઃ રાજ્યના તમામ હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. જેમાં દહેગામ ચિલોડા-ગાંધીનગર હાઇવે પર દિન પ્રતિદિન નાના મોટા વાહનોના ટ્રાફિક ભારણ વધી રહ્યું છે, જેના કારણે આ માર્ગ પર છાશવારે નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. કેટલીય વાર તો જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે જેથી તંત્ર દ્વારા આ માર્ગને તાકીદે ફોરલેન બનાવવામાં આવે તેવી માંગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામ ચિલોડા- ગાંધીનગર હાઇવે અરવલ્લી સાબરકાંઠા ખેડા જિલ્લા તેમજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તરફ જવાનો મુખ્ય માર્ગ છે.આ માર્ગ પર છેલ્લા ઘણાય સમયથી નાના મોટા વાહનોની અવર જવરમાં વધારો થતાં સતત ટ્રાફિકથી ધમધમતો બની રહ્યો છે. અસંખ્ય વાહનોની અવર જવરના કારણે આ માર્ગ ખૂબ જ સાંકડો બની રહેતા નાના મોટા તેમજ જીવલેણ અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે.આ માર્ગ પર થયેલા અકસ્માતોમાં અસંખ્ય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હાઈવેને ચારમાર્ગિય બનાવવો જરૂરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દહેગામ ચિલોડા ગાંધીનગર માર્ગ પર દિવસ દરમિયાન રેતી કપચીના ડમ્પરો ઉપરાંત દહેગામ તાલુકામાં આવેલા બટાકાના કોલ્ડ સ્ટોરેજમાં તેમજ નજીકના ઔદ્યોગિક એકમોમાંથી માલ સામાન લઈને મોટી ટ્રકો,ટ્રેલર અને ડમ્પરો પણ અવર-જવર કરે છે બીજી તરફ નહેરુ ચોકડીથી દહેગામ કોર્ટ સુધીના માર્ગ પર બનાવવામાં આવેલા રોડ પરથી ખેડા જિલ્લા તરફનો ટ્રાફિક ડાયવર્ટ થઈ ગાંધીનગર હાઇવે પરથી બાયપાસ પસાર થાય છે.  જેના કારણે પણ આ માર્ગ પર સતત ટ્રાફિક રહે છે. પરંતુ રોડની પહોળાઈ ના હોવાના કારણે કેટલીક વાર ટ્રાફિક જામ પણ થાય છે અને અકસ્માતોના બનાવો પણ બને છે આથી તંત્ર દ્વારા આ માર્ગ તાકીદે ફોરલેન બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.