કચ્છના મુન્દ્રા તાલુકામાં ઔદ્યોગિકરણ છતાંયે મોર, ઢેલ સહિત પક્ષીઓ અને પ્રાણીઓમાં વધારો
ભૂજઃ કચ્છના મુન્દ્રા વિસ્તારમાં સારોએવો ઓદ્યોગિક વિકાસ થયો છે. તેના લીધે રોજગારીની નવી તકો સર્જાતા મુન્દ્રા શહેર અને આસપાસના વિસ્તારોનો સારોએવો વિકાસ થયો છે. સાથે જ પર્યાવરણ જળવાય રહેતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોનું અભ્યારણ વન્ય પ્રાણીઓના વસવાટ માટે આદર્શ અને સાનુકૂળ બન્યુ છે. ગત 2015 ની સરખામણીએ 2023માં જંગલ ખાતા દ્વારા કરાયેલી વસતી ગણતરીના આંક મુજબ મુન્દ્રા પંથકની રખાલોમાં રાષ્ટ્રીય પક્ષી તરીકેનો દરજ્જો પામેલા મોરની સંખ્યા અગાઉ 874 હતી જે વધીને હવે 1158 થઇ છે,તેમાં પણ નર કરતાં માદાઓનું પ્રમાણ વધારે હોવાથી તેમનો વસ્તી વધારા માટે હજી પણ અવકાશ છે. સાથે જ નીલગાય સહિત પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કચ્છના મુદ્રા તાલુકામાં પોર્ટ અને અન્ય માળખાકિય સુવિધાને લીધે ઓદ્યોગિક વિકાસ સારોએવો થયો છે. ઉદ્યોગોને કારણે પર્યાવરણ નાશ પામશે, એવી દહેશત સાથેના વિરોધ વચ્ચે મોર, ઢેલ સહિત પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષોથી હાઇવે પર અકસ્માતોમાં નિમીત બનતી નીલગાયની સંખ્યા 1647 માંથી વધીને 1700 થઇ છે. જંગલી ભુંડની વસતીમાં પણ વધારો થયો છે. જો કે વર્ષો પહેલા આ વિસ્તારમાં વરૂ, ઝરખ, અને જંગલી બિલાડી, કાળિયાર, ચિંકારા, ચિતલ, અં સાંભર સહિત પ્રાણીનો વસવાટ હતો. પણ કાળક્રમે નષ્ટ થતાં હવે આ પ્રાણીઓ આ વિસ્તારમાં જોવા મળતા નથી.
વન વિસ્તારના સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્યોગોના આગમન બાદ પણ જંગલ ખાતાનો નિયત વિસ્તાર રક્ષિત હોવા પર ભાર મુકી શિકારની પ્રવૃતિ પર રોક લગાવવામાં આવી છે. વન્ય વિસ્તારને નુકસાન પહોંચાડનારા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.