અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિત કેસોમાં વધારો, કોરોનાના પણ બે કેસ નોંધાયા
અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. સાથે જ પ્રદૂષિત પાણી અને ગરમીને લીધે પાણીજન્ય રોગોચાળો વકરી રહ્યો છે. વાયરલ બિમારી ઉપરાંત ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ, અમરાઇવાડી, જશોદાનગર અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસ નોંધાયા છે. ઉપરાંત સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સ્વાઇન ફ્લૂના શરદી, ખાંસી, વાયરલ ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. સામાન્યરીતે ઉનાળામાં સ્વાઈનફ્લુનો રાગચાળો વકરતો નથી, છતાં આ વખતે માત્ર અમદાવાદ જ નહીં રાજકોટ સહિત તમામ શહેરોમાં સ્વાઈનફ્લુના કોસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં 24 માર્ચ સુધીમાં સ્વાઈન ફ્લૂના 173, ઝાડા-ઊલટીના 562, કમળાના 85, ટાઈફોઈડના 204 કેસ નોંધાયા હતા. જ્યારે સાદા મેલેરિયાના 09, અને ડેન્ગ્યુના પણ 15 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં ફાગણ મહિનાના 15 દિવસ વિતી ગયા છે. ત્યારે મિશ્રિત ઋતુને કારણે રોગચાળો વકર્યો છે. જો કે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચતા ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો થયો છે. માર્ચ મહિનાના પ્રારંભથી વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી સ્વાઇન ફ્લુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના નાના મોટા ખાનગી દવાખાનાથી માંડીને અસારવાની સિવિલ હોસ્પિટલની ઓપીડી પણ વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લુના દર્દીઓથી ભરાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં પાંચ સ્વાઇન ફ્લૂના, બે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ગત એક સપ્તાહ દરમિયાન દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. પીવાના પાણીમાં ગટરનું અને ગંદુ પાણી મિક્સ થવાના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં સૌથી વધારે પૂર્વ વિસ્તારના દક્ષિણ ઝોનમાં મણીનગર, ઇસનપુર, વટવા, લાંભા સહિતના વિસ્તારોમાં કુલ 472 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. જ્યારે શહેરનો કોટ વિસ્તાર ગણાતા એવા ખાડિયા, જમાલપુર, રાયપુર, કાલુપુર શાહપુર અસારવા સહિતના વિસ્તારોમાં પણ સૌથી વધારે 172 જેટલા પાણીના સેમ્પલો અનફિટ આવ્યા છે.
એએમસીના હેલ્થ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો થયો છે. ચાલુ મહિનામાં મિશ્રિત ઋતુના કારણે સ્વાઈન ફ્લૂના કેસોનો વધારો થયો છે. 24 દિવસમાં સ્વાઈન ફ્લૂના 173 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ઝાડા-ઊલટી અને ટાઈફોડના કેસમાં પણ વધારો થયો છે. શહેરમાં કેટલાંક વિસ્તારોમાં પીવાના પાણીમાં પોલ્યુશનની ફરિયાદ જોવા મળી છે. જેના કારણે સતત પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે.