Site icon Revoi.in

અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

Social Share

અમદાવાદ :  શહેરમાં  વરસાદી અને વાદળિયા વાતાવરણને લીધે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે.. તંત્રની બેદકારી વચ્ચે શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કારણ કે, અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળાએ માઝા મૂકી છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો યથાવત છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કહેવાય છે કે, સેમ્પલ લેવાના બંધ કર્યા છે. 20 દિવસથી શહેરમાં AMC એ પાણીનું એક પણ સેમ્પલ નથી લીધું. આરોગ્ય વિભાગ પાસે સેનેટરી ઈન્સ્પેક્ટર જ નથી. ઝોનના મલેરિયા ઈન્સ્પેક્ટર પાણીના સેમ્પલ લેવા નથી જતા. પાણીના સેમ્પલ લેવાનું કામ મજૂરો પર નાંખ્યું છે. આમ, AMCના વિભાગો બીમારી વચ્ચે ખો-ખોની રમત રમે છે. તમામ 48 વોર્ડમાંથી દરરોજ બે સેમ્પલ લેવાનો નિયમ છે, છતાં સપ્ટેમ્બરમાં 1920ના બદલે 136 સેમ્પલ જ લીધા છે.  સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોલા સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનાની 20 તારીખ સુધીમાં ડેન્ગ્યુના 145 કેસ, ચિકનગુનિયાના 36 અને મેલેરિયાના 35 કેસ નોંધાયા છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 325 કેસ, મેલેરિયાના 53 કેસ અને ચિકનગુનિયાના 66 કેસ નોંધાયા હતા. છેલ્લા 3 મહિનાથી બાળકો પણ મોટી સંખ્યામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના શિકાર થઈ રહ્યા છે. 20 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 52 અને 2 ચિકનગુનિયાના 2 કેસ બાળકોમાં જોવા મળ્યા છે.  સપ્ટેમ્બર મહિનાની 20 તારીખ સુધીમાં બાળકોની OPD ની સંખ્યા 1412 થઈ છે, જેમાંથી 723 બાળકોને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકોની OPD ઓગસ્ટમાં 2191 રહી હતી, જેમાંથી 1165 બાળકોને દાખલ કરીને સારવાર આપવાની ફરજ પડી હતી. છેલ્લા 3 મહિનામાં 5 હજાર કરતા વધુ બાળકો OPD માં આવ્યા છે, જેમાંથી 3 હજાર કરતા વધુ બાળકોને દાખલ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે.