Site icon Revoi.in

રાજકોટમાં ભેજવાળા વાતાવરણને લીધે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો,

Social Share

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે,  છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ નોંધાયા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો અને મરડાનો એક પણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી. આ સપ્તાહ દરમિયાન તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 કેસ અને ઝાડા-ઉલ્ટીના 82 કેસ નોંધાયા છે. મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દવા છંટકાવ સહિતના પગલાં લીધા છે. શહેરમાં મિશ્ર ઋતુ જેવા વાતાવરણ વચ્ચે ખોરાક અને પાણીજન્ય રોગચાળાથી બચવા બહારની ખાણીપીણી પૂરી તકેદારી સાથે આરોગવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે તો સાથે જ 11,146 ઘરમાં પોરાનાશક અને 220 ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ડેન્ગ્યુની બીમારીના અટકાયતીના ભાગરૂપે રહેણાંક અને કોમર્શિયલ પ્રીમાઇસીસમાં તપાસ કરી મચ્છર ઉત્પત્તિ બદલ રહેણાંકમાં 259 અને કોમર્શિયલમાં 185 જેટલા વ્યક્તિને નોટિસ આપવામાં આવી છે.

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે, તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 કેસ અને ઝાડા-ઉલ્ટીના 82 કેસ નોંધાયા છે.  આરોગ્ય અધિકારીનાં જણાવ્યા મુજબ ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એકસાથે વધુ લોકોને કરડતા હોવાથી વઘુ જનસમુદાય હોય તેવા સ્થેળોએ આ બીમારી ફેલાવવાનું જોખમ વધુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ જ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ-સફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્પતિ ઘણી વધી જાય છે.

રાજકોટ મનપા આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જો કે, આવા રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.