અમદાવાદઃ શહેરમાં ભાદરવાના પ્રારંભથી જ વરસાદી માહોલ સર્જાતા તેમજ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે શહેરમાં ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી અને ટાઈફોઇડ સહિતના કેસોમાં વધારો થયો છે. બે દિવસમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા માટે ખાસ પદ્ધતિ અપનાવવામાં આવી છે. મચ્છરોના લારવાનો નાશ કરવા માટે સુતળીની દોરીનો બોલ બનાવી અને મચ્છર મારવાની દવાવાળો કરી અને જ્યાં સૌથી વધુ પાણી ભરાયેલા હોય એવા સ્થળોએ નાખવામાં આવ્યા છે. આ મચ્છર બોમ્બના પ્રયોગને સફળતા મળી રહી છે. સરકારી, અર્ધ સરકારી સોસાયટી- ફ્લેટો અને ખુલ્લી જગ્યાઓના ખાડાઓ વગેરે મળી કુલ 1500 જેટલી જગ્યાએ આવી રીતે દવાવાળા બોલ નાખવામાં આવ્યા છે.
એએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ઝાડા-ઊલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ચાલુ સપ્ટેમ્બર મહિનામાં 17 દિવસમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 393 જેટલા કેસો નોંધાયા છે. અને મેલેરિયાના 83 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં ઝાડા ઊલટીના 268 કેસો, ટાઇફોઇડના 285 અને કમળાના 118 કેસો છે. જ્યારે કોલેરાના 6 કેસો નોંધાયા છે. જેમાં દાણીલીમડા અને વટવામાં બે-બે તેમજ ઈન્દ્રપુરી અને ચાંદલોડિયાના એક- એક કેસ નોંધાયા છે.
એએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધતાં અટકાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યાં વધુ પાણી ભરાયું હોય અને જ્યાં ના પહોંચી શકાય એવી જગ્યાએ મચ્છરજન્ય રોગો અટકાવવા માટે મચ્છરોના લારવાનો નાશ કરવા માટે સુતળીની દોરીનો બોલ બનાવી અને મચ્છર મારવાની દવાવાળો કરી અને જ્યાં સૌથી વધુ પાણી ભરાયેલા હોય એવા સ્થળોએ નાખવામાં આવ્યા છે. દવાના કારણે પાણીમાં આખી દવા ફેલાઈ અને મચ્છરોના લારવાનો નાશ થાય છે. જેમ જેમ પાણી સુકાઈ જાય તેમ તે દવા પરત બોલમાં આવી જાય છે. સરકારી, અર્ધ સરકારી સોસાયટી- ફ્લેટો અને ખુલ્લી જગ્યાઓના ખાડાઓ વગેરે જગ્યાએ દવાવાળા બોલ નાખવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધતાં અવેરનેસ કાર્યક્રમો અને ફોગીંગ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. એએમસીના દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં લેબોરેટરીના સાધનો અને દવાઓની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા 2009 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 36 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જ્યાં પણ આવા અનફિટ સેમ્પલો મળી આવ્યા છે, ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા લીકેજને રીપેર કરવાની કામગીરી કરવામાં આવે છે.