અમદાવાદઃ શહેરમાં વધતી જતી ગરમીને કારણે વાયરલ બિમારીઓ વધી રહી છે. શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલ, અસારવા સિવિલ હોસ્પિટલ, મ્યુનિ,ની હોસ્પિટલો તેમજ ખાનગી દવાખાનાઓમાં લૂ લાગવાના, ઝાડા-ઊલટી, ફીવર સહિત કેસોમાં વધારો જોવા મળ્યો છે. લોકોને ગરમીથી બચવા તેમજ બજારૂ ખાણી-પીણીમાં ધ્યાન રાખવા મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. એએમસીના ફુડ વિભાગ દ્વારા પણ ખાણી-પીણીના લારી-ગલ્લામાં ચેકિંગ ઝુબેશ હાથ દરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. અને આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરમાં અસહ્ય ગરમીને કારણે લૂ લાગવા તેમજ ઝાડા-ઊલટીના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમા ટાઇફોડના કેસ પણ નોંધાયા છે. પાણીજન્ય અથવા ગરમીને કારણે ઝાડા-ઊલટીના દર્દીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ગત એક સપ્તાહ દરમિયાન ઝાડા-ઊલટીના 23 કેસ નોંધાયા હતા. જ્યારે ટાઇફોડના છ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત એક સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં 10,020 કેસ નોંધાયા હતા. જેમાંથી 992 દર્દીને દાખલ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત મ્યુનિ.ની હોસ્પિટલો, અને ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
આ ઉપરાંત ગરમીને કારણે કેટલાક લોકોને શરદી, ખાસી, તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનના 1,468 કેસ નોંધાયા હતા. જ્યારે વાયરલ હિપેટાઇટિસના 3 કેસ નોંધાયા હતા. પ્રદૂષિત પાણી અને ગરમીમાં બહારનું ખાવાના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.
શહેરમાં એપ્રિલ મહિનામાં 27 દિવસમાં 134 પાણીના સેમ્પલો ફેઇલ આવ્યા છે. જેથી ઝાડા-ઊલટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે. શહેરમાં રોજના 60થી વધુ ઝાડા-ઊલટીના કેસો નોંધાઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઇવાડી, વટવા, લાંભા, મણિનગર અને દાણીલીમડા વિસ્તારમાં કોલેરાના કેસો પણ નોંધાયા છે. સરકારી અને ખાનગી દવાખાનાઓમાં પેટમાં દુઃખાવો, ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના દર્દીઓની લાઈનો જોવા મળે છે.
એએમસીના હેલ્થ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ એપ્રિલ મહિનામાં 27 દિવસમાં ઝાડા-ઊલટીના 1366, કમળાના 141, ટાઈફોઈડના 323 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 31, અને ડેન્ગ્યુના 36 કેસ નોંધાયા છે. શહેરમાં એપ્રિલ મહિનામાં 4464 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 134 પાણીના સેમ્પલ અનફીટ આવ્યા છે. જ્યાં પણ પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે.