Site icon Revoi.in

અમદાવાદમાં ભેજવાળા વાતાવરણને લીધે મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે ભેજનું પ્રમાણ વધતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેના લીધે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શરદી-ઉધરસ અને વાયરલ બિમારીના કેસ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલ, મ્યુનિ.ના હેલ્થ કેન્દ્રો, સરકારી દવાખાનાઓ તેમજ ખાનગી દવાખનાઓમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મ્યુનિની હેલ્થ વિભાગ દ્વારા મચ્છરોના નાશ માટે દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિના દરમિયાન પડેલા ભારે વરસાદ અને એ પછી લાંબો સમય સુધી વાતાવરણ સતત ભેજવાળું રહેતા ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય કેસ સતત વધી રહ્યા છે. સરકારી અને ખાનગી દવાખાનાઓમાં  ડેન્ગ્યુ-મેલેરિયાના કેમમાં વધારો થયો છે. જે કેસ નોંધાઈ રહ્યા છે, એમાં 10 ટકા દર્દીઓને દાખલ કરવા પડે છે. અસારવા સિવિલ અને સોલા સિવિલમાં પણ મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થયો છે. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસો,ના સૂત્રોના કહેવા મુજબ  શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણી અને ભેજવાળા વાતાવરણથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં રોજના અંદાજે 50 હજાર દર્દી આવે છે. આમાંથી 8થી 10 હજાર ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયાના હોય છે. સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીના કહેવા મુજબ  1થી 10 સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યુના 89, મેલેરિયાના 21 કેસ નોંધાયા હતા. સોલા સિવિલમાં પણ અઠવાડિયામાં ડેન્ગ્યુના 152 પોઝિટિવ, મેલેરિયાના 33 કેસ નોંધાયા હતા. જ્યારે સ્વાઈન ફ્લૂના પણ 32 કેસ નોંધાયા હતા.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા 39 દિવસમાં સરકારી, મ્યુનિ., અને ખાનગી હોસ્પિટલોમાં મળી ડેન્ગ્યુના 860 કેસ મ્યુનિ. ચોપડે નોંધાયા છે. આમાંથી લગભગ 37 ટકા બાળકો 14 વર્ષ સુધીની વયના છે. મ્યુનિ.ના હેલ્થ વિભાગે આપેલા ડેટા અનુસાર 860માંથી 320 કેસ બાળકોને ચેપના હતા. આમાંથી 144 બાળક 9થી 14 વર્ષના જ્યારે 104 બાળક 5થી 8 વર્ષ વચ્ચેના હતા. દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અન્ય બીમારીના તાવ પછી લોકોમાં પેટની તકલીફના કેસમાં પણ વધારો થયો છે. તાવના વાવર સાથે 4-5 દિવસ પેટ ભારે લાગવું, ઊલટી, ઉબકા, ભૂખ ન લાગવી, અપચો સહિતની ફરિયાદોમાં અંદાજે 30 ટકાનો વધારો થયો છે.