Site icon Revoi.in

ગુજરાતમાં ભેજવાળા વાતાવરણને લીધે નાના બાળકોમાં ઓરી, અને તાવના કેસોમાં વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી ભેજવાળા વાતાવરણને લીધે નાના બાળકોમાં ઓરી,અછબડાં, ચામડી અને ફીવરના કેસમાં વધારો થયો છે. સૌથી વધુ કેસ 2થી માંડી 11 વર્ષ સુધીના બાળકોના નોંધાયા છે.  100 બાળદર્દીઓમાંથી અંદાજે 70 બાળકોમાં હાઈગ્રેડ ફીવર અને ઓરી જેવા ઝીણા લાલ દાણા જોવા મળી રહ્યા છે. અને  બાળકોને ઈન્ફેક્શનને લીધે તાવ પણ આવતો હોય છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ તથા અસારવા સિવિલ હોસ્પિટલ તેમજ મ્યુનિની હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓમાં ઓરી,અછબડાં, ચામડી અને ફીવરના કેસમાં વધારો થયો છે.

ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાતા વરસાદી માહોસ સાથે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં પણ વધારો થયો છે. જેના લીધે અમદાવાદ સહિત તમામ મહાનગરોની  સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2થી 11 વર્ષ સુધીના બાળકોમાં હાઈગ્રેડ તાવ તેમજ ઓરી જેવા લાલા દાણાના કેસમાં લગભગ 40 ટકા જેટલો વધારો થયો છે. વાઈરલ ઈન્ફેક્શનના આ કેસ સાથે બાળકોમાં ઝાડા-ઊલટી જેવા પાણીજન્ય રોગના કેસ પણ વધ્યા છે.

અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં સેવા આપતા જાણીતા પિડિયાસ્ટ્રીશનના કહેવા મુજબ શહેરમાં ભેજવાળા વાતાવરણને કારણે વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે. હાલ હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે આવતાં પ્રત્યેક 100માંથી અંદાજે 70 બાળકમાં હાઈગ્રેડ ફીવર અને ઓરી જેવા ઝીણા લાલ દાણા જોવા મળી રહ્યા છે. જો કે તેમણે આ લક્ષણ સ્કારલેટ ફીવર નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી. વધારામાં બાળકોને ઈન્ફેક્શનથી આવતો તાવ કાબૂમાં આવતાં 5થી 7 દિવસ લાગે છે.

અસારવા સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ  સામાન્ય રીતે ઓપીડીમાં સરેરાશ 3 હજાર દર્દી આવતા હોય છે. પરંતુ હાલના વાતાવરણને કારણે ઓપીડી વધીને 3500એ પહોંચી ગઈ છે. વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 20થી 30 ટકાનો વધારો થયો હતો. સિવિલની ઓપીડીમાં છેલ્લા એક અઠવાડિયામાં જ અંદાજે 25 હજાર દર્દીએ સારવાર લીધી હતી. જૂનમાં વાઈરલ ઈન્ફેક્શનના 327 કેસ આવ્યા હતા. ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોના કહેવા મુજબ  ભેજવાળા વાતાવરણ ઉપરાંત બેવડી ઋતુને કારણે બાળકો અને વૃદ્ધો સૌથી પહેલાં શિકાર બને છે. કારણ કે, તેમની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે. ડોક્ટરોએ આ સિઝનમાં જંકફૂડ કે બહારના ખાદ્યપદાર્થો નહીં લેવાની સલાહ આપી છે. તેમના મતે બાળકમાં આવા લક્ષણ દેખાય તો જાતે ઉપચાર કરવાને બદલે ડોક્ટરનો સંપર્ક કરવામાં આવે તો પરિસ્થિતિ બગડતી અટકાવી શકાય છે.