Site icon Revoi.in

અમદાવાદમાં ભર ઉનાળે વાયરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચતા શહેરીજનોમાં વાઈરલ ઈન્ફેક્શન, ઝાડા-ઊલટી, ટાઈફોડ, અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો ઝોવા મળી રહ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં માત્ર વાયરલ ઈન્ફેક્શનના 15થી વધુ કેસ નોંધાયા હતા. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો અને ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગરમીથી બચવા લોકોને બપોરના સમયે કામવિના બહાર ન નિકળવા તેમજ ખાણી-પીણી પર ધ્યાન રાખવા એએમસીના આરોગ્ય વિભાગે અપિલ કરી છે.

શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત સપ્તાહ દરમિયાન વાઇરલ ઇન્ફેક્શનના 1,541 કેસ નોંધાયા હતા. તદુપરાંત સ્વાઇન ફ્લૂ કે જેને હવે સીઝનલ ફ્લૂ માનવામાં આવે છે. તેના શંકાસ્પદ 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત પાણીજન્ય રોગ પણ યથાવત છે. જેમાં ગત એક સપ્તાહ દરમિયાન ઝાડા-ઊલટીના 28 અને ટાઇફોડના 4 કેસ નોંધાયા હતા. ઉપરાંત એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં 10થી 15 હિટ સ્ટ્રોકના કેસ પણ નોંધાયા હતા. આ રોગચાળા વચ્ચે હવામાન વિભાગ દ્વારા 13મીથી 15મી એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.

શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી જ વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024ના પ્રથમ ત્રણ મહિનાની સરખામણી કરવામાં આવે તો જાન્યુઆરી માસમાં સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના કુલ 5,316 કેસ નોંધાયા હતા. ફેબ્રુઆરીમાં સૌથી વધુ 7,876 કેસ અને માર્ચના અંત સુધીમાં કુલ 5,860 કેસ નોંધાયા હતા. જ્યારે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વાઇરલ ઇન્ફેક્શનના કેસનો આંકડો 1500થી વધુ પહોંચ્યો છે. આ ઉપરાંત અસારવાની સિવિલ હોસ્પિટલ, મ્યુનિ.ની હોસ્પિટલો તેમજ ખાનગી દવાખાનાઓમાં ફીવરના કેસમાં વધારો નોંધાયો છે. ગત સપ્તાહમાં શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તેને કારણે ઝાડા-ઊલટીના કેસમાં પણ વધારો થયો છે. તાપમાનનો પારો વધવાને કારણે બપોરના સમયે બહાર ફરતા લોકોમાં હિટ સ્ટ્રોકનો ખતરો પણ વધુ રહેતો હોય છે. જેમાં ચક્કર આવવાથી લઇ માથાનો દુખાવો, ખેંચ આવી અને બેભાન થવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે.