અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક-બે દિવસમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે લોકો હજુ પણ અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે જ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળે માથુ ઉંચક્યુ છે. દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મે મહિનામાં 14 દિવસમાં 395 જેટલા ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાંથી 331 પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં સરસપુર દાણીલીમડા, ગોમતીપુર, કુબેરનગર અને શહેરના કોટ વિસ્તારમાં પાણીના સેમ્પલો અનફિટ આવ્યા છે. ગરમીને કારણે ઝાડા ઉલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં થયો છે. ગરમી વધતાં પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ મે મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો નોંધાયા છે. ઝાડા ઉલટીના 395, કમળાના 48 અને ટાઇફોઇડના 111 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા, ગોમતીપુર તેમજ કોટ વિસ્તારમાં વધારો થયો છે. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી મે મહિનામાં 796 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.