અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણ અને મચ્છરોના ઉપદ્રવ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા મ્યુનિ, કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યુ છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. જુલાઈ મહિનામાં 23 દિવસમાં 615 જેટલા ઝાડા ઊલટીના કેસો નોંધાયાં હતા. તે ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાંથી 704 પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. શહેરના પૂર્વ વિસ્તારમા દૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગચાળો વધ્યો છે. વરસાદ અને ડ્રેનેજમાં મિક્સ થયેલા દૂષિત પાણીને કારણે ઝાડા ઊલટી અને પેટમાં દુઃખાવા સહિતના રોગોમાં વધારો થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ જુલાઈ મહિનામાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઊલટી અને ટાઇફોઇડના કેસો નોંધાયા છે. ઝાડા ઊલટીના 615, કમળાના 193 અને ટાઇફોઇડના 165 કેસો નોંધાયા હતા. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા 46, ડેન્ગ્યુ 21, ચિકનગુનિયાના 08 અને ઝેરી મેલેરિયાના 02 નોંધાયા હતા. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં અને કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી મે મહિનામાં 704 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 40 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.