Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારોઃ માસ્ક નહીં પહેરનાર સામે થશે કાર્યવાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસ સામે આવતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે ટેસ્ટીંગ ડોમ ઉભા કરીને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળે છે જેથી મનપાએ શહેરીજનોને માસ્ક પહેવા અને સમાજીક અંતરના નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ માસ્ક નહીં પહેરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ થયુ છે. દરમિયાન AMCના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી હતી. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઇ રહી છે કે, સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા સરકારે ચિંતાવ્યક્ત કરી છે. તેમજ કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોરોના રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં 12 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે.