Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 44 ઉપર પહોંચી

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બે દિવસમાં જ અમદાવાદમાં 950થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા 24 કલાકના સમયગાળામાં 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. આમ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 44ને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં લગભગ 125થી વધારે મકાનોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ અને સોલાના 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. તેમજ પશ્ચિમ ઝોન આંબાવાડીના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે. મધ્ય ઝોનના શાહીબાગના એક વિસ્તારને પણ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે. આમ 32 ઘરોના 129 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 44 થઈ ગઈ છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લગભગ 3 દિવસમાં કોરોના કેસ ડબલ થઈ રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ શહેરમાં માસ્ક અને સમાજીક અંતર સહિતના કોરોનાની ગાઈડલાઈનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરીજનોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ અપીલ કરી હતી.