જામનગર અને રાજકોટ જિલ્લામાં ખારેકની ખેતીમાં વધારો, સારા ભાવ મળતા હોય ખેડુતો આકર્ષાયા
રાજકોટ : ગુજરાતમાં ખારેકનું સૌથી વધુ ઉત્પાદન કચ્છમાં થાય છે. ખારેકના પાકમાંથી સારીએવી આવક થતી હોવાને લીધે હવે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડુતો પણ આકર્ષાયા છે. અને ખારેકની ખેતી કરવા લાગ્યા છે. કેરીની સીઝન પૂરી થતા સૌરાષ્ટ્રમાં ખારેકનો દબદબો છે. ખારેક આમ તો કચ્છનું ફળ છે પણ સૌરાષ્ટ્રમાં ય બે દાયકાથી ખારેકની ખેતી થઇ રહી છે. લગભગ 150 કરતા વધારે કિસાનો સૌરાષ્ટ્ર પ્રદેશમાં થઇ જતા બજારમાં કચ્છ અને લોકલ ખારેકના ઢગલાં થઇ રહ્યા છે. ગળામાં ડચૂરો બાઝી જાય એવી ખારેક રૂ. 50-75માં કિલો મળે છે, તો ઓર્ગેનિક અને મીઠાઇ જેવી ગળી ખારેક રૂ. 100-200માં ય વેચાય રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ખારેક અત્યારે સૌરાષ્ટ્રભરના બજારોમાં વેચાણ માટે આવી રહી છે. કચ્છ પંથકમાંથી દેશી લાલ અને પીળી ખારેક લગભગ પચ્ચીસેક દિવસથી આવે છે. હવે દેશી ખારેકનો સમય પૂરો થવામાં છે. ત્યાં ઇઝરાયેલની લાલ-પીળી ખારેક બજારમાં દસ્તક દઇ ચૂકી છે. ખેડૂતો કહી રહ્યા છે કે, ભારે વરસાદ ન પડે તો હજુ પચ્ચીસેક દિવસ સુધી ખારેકનો સ્વાદ માણવા મળશે. કચ્છની ખારેક બજારમાં મોટાંપાયે વેચાય છે. સૌરાષ્ટ્રનો પાક ઘરઘરાઉ જ વેંચાઇ જાય છે. દસ પંદર વર્ષ પહેલા જૂજ ખેડૂતો ખારેકની ખેતી કરતા હતા પણ હવે આવા કિસાનોની સંખ્યા 150 જેટલી જેટલી છે. ખેડૂતોને ખારેકની ખેતીમાં વળતર પ્રાપ્ત થઇ રહ્યું છે અને સારી ખાતર ખેતર બેઠાં વેચાઇ જતી હોવાથી મોટેભાગે માર્કેટ શોધવા પણ જવું પડતું નથી.
બાગાયત વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આશરે 20 હજાર હેક્ટર જેટલો વિસ્તાર ખારેક હેઠળ આવે છે. એમાં 95 ટકા જેટલો વિસ્તાર એકલા કચ્છનો છે. કચ્છ વિસ્તાર ખૂબ મોટાં પાયે ખારેક સમગ્ર ગુજરાતમાં સપ્લાય કરે છે. જોકે સૌરાષ્ટ્ર ય હવે પાછળ નથી. સૌરાષ્ટ્રના જામનગરના જગા ગામના એક ખેડૂતે કહ્યું હતું કે,,અમારે 140 જેટલા ખારેકના વૃક્ષો છે. ખારેકની ખેતીમાં ત્રણેક મહિના ઉત્પાદન મળે છે અને બાકીનો સમય માવજત કરવી પડે છે એટલે થોડી મહેનત માગી લે છે પણ પાકના સમયે વરસાદ વિધ્ન ન બને તો ખેડૂતોને આખી સીઝન ફળ મળે છે અને કમાણી પણ થાય છે. ધ્રાંગધ્રાના પ્રતાપપુર ગામમાં 2500 જેટલા વૃક્ષો ધરાવતા ખેડુતે કહ્યું હતું કે, જિલ્લામાં 35-40 ખેડૂતો ખારેકની ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતોને એમાં વળતર છે. ખેડુતો દેશી ખારેકની ખેતી કરી રહ્યા છે. પરંપરાગત પાકોની ખેતીમાંથી બાગાયતી તરફ વળવાનું નક્કી કર્યું હતુ. હવે આ ખેતીમાં ફાવટ આવી ગઇ છે. દેશી ખારેકની આવક સૌથી પહેલા થાય છે અને અંતે ઇઝરાયેલની બારાહી આવે છે. દેશી ખારેકનો સ્વાદ બેજોડ હોય છે. ખારેક મુંબઇ, કલકત્તા, દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ સહિતના મોટાં શહેરોમાં વેચાણ માટે જાય છે.
જામનગર જિલ્લામાં આશરે 10-15, રાજકોટ જિલ્લામાં 15-20 ખેડૂતો ખારેકની ખેતી કરે છે. એ સિવાય પણ છૂટાછવાયા વિસ્તારોમાં ખારેકના વાવેતર થઈ રહ્યુ છે.