મોરબીની સિરામિક પ્રોડક્ટની નિકાસમાં વધારોઃ વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ
અમદાવાદઃ સિરામિક સિટી તરીકે ઓળખ ધરાવતા મોરબીમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રી દિવસ-રાત ધમધમી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન સિરામિક ઉધોગમાં ખાસ્સા ઉતાર ચઢાવ આવ્યા હતા. અને હાલ ઉદ્યોગો પૂર્વવત થયા છે, ગેસ અને કન્ટેઇનરના ભાવ ઘટતા આ વર્ષે વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ થયું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો છે અને વૈશ્વિક સ્તરે સફળતા હાંસલ કરવા તરફ અગ્રેસર થયો છે.
મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાનો વ્યાપ વધતા ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. એક્સપોર્ટના ઉદ્યોગમાં તેની આડઅસર પણ જોવા મળી રહી હતી. ખાસ તો, ગેસનો ભાવ વધારો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રીતે ગેસના ભાવ વધ્યા તેના કારણે મોરબીની પણ સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ હતી. તાજેતરમાં ગેસના ભાવમાં વૈશ્વિક સ્તરે ઘટાડો કરવામાં આવ્યો છે, તેના પરિણામ સ્વરૂપે પડતર નીચી આવતા તથા એક્સપોર્ટના કન્ટેનરના ભાડામાં પણ ઘટાડો આવ્યો છે. કારણ કે કોરોનાના આગમન સમયે કન્ટેનરના ભાડામાં પાંચથી છ ગણો ભાવ વધારો આવ્યો હતો. હાલ કન્ટેનરના જે મૂળ ભાવ હતા એ પૂર્વવત સ્થિતિ તરફ આવી રહ્યા છે, તેવું તેમણે જણાવ્યું હતું.
જ્યારે ગેસ અને કન્ટેનરના ભાવમાં ભાવ વધારો આવ્યો ન હતો એવા સમયે પણ 1300 થી 1400 કરોડનું એક્સપોર્ટ મોરબીમાં થતું હતું, પરંતુ ગેસ અને કન્ટેનરના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ભાવ વધારાના કારણે પડતર કિંમત પર તેની અસર થઈ હતી તેથી સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ 1300થી ઘટીને 1000-1200 કરોડ સુધી પહોંચી ગયું હતું. હાલ ફરી આ ઇન્ડસ્ટ્રીએ પોતાનું સ્થાન મેળવ્યું છે આ સાથે તેમણે સરકારને પણ વિનંતી કરતા એવું જણાવ્યું હતું કે ગેસને જીએસટીના દાયરામાં લેવામાં આવે ઉદ્યોગ વૈશ્વિક કક્ષાએ સારું એવું પરિણામ લાવી શકે તેમ છે તેના માટે ગેસના ભાવમાં હજુ પણ ઘટાડો કરવો અનિવાર્ય છે. જો તેવું કરવામાં આવશે, તો ભારતના પીએમ નરેન્દ્ર મોદીનું ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘લોકલ ટુ વોકલ’ નું સૂત્ર સાકર થશે, તેવું તેમણે જણાવ્યું હતું.