નવી દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેના ઉપર ચીનના જવાનોએ હુમલો કર્યાં બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત સરકારે પણ નાના અને મધ્યમ કદના એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર યોજના સહિતની યોજનાઓ બનાવી છે. જો કે, બંને દેશ વચ્ચે આયાત-નિકાસના વેપારમાં વધારો થયો છે. ભારત દ્વારા એક વર્ષમાં 97.5 અબજ ડૉલરની આયાત કરી હતી જેની સામે માત્ર 28.1 અબજ ડૉલરની નિકાસ કરી હોવાનું જામવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વેપારડેટા પ્રમાણે વર્ષ 2021 દરમિયાન પણ ભારતમાં ચીનમાંથી થતી આયાત વધી છે. ચાઇના જનરલ ઍડમિનિસ્ટ્રેશન ઑફ કસ્ટમના ભારત સાથેના વેપાર સંબંધિત ડેટા પર નજર કરીએ તો પહેલી વખત વેપાર 100 અબજ ડૉલરનો આંક વટાવ્યો છે. ભારતે 97.5 અબજ ડૉલરની આયાત કરી હતી અને માત્ર 28.1 અબજ ડૉલરની નિકાસ કરી હતી. આમ આયાત અને નિકાસની દૃષ્ટિએ આ એક રેકૉર્ડ છે.
2020માં 2019 ની સરખામણીમાં બંને દેશો વચ્ચેના વેપારમાં ઘટાડો જોવાયો હતો. જેના માટે મહામારી કારણભૂત હતી. ચીનમાંથી ભારતની આવક સતત વધી રહી છે અને ચીનમાં ભારતની નિકાસ કરતાં ત્યાંથી આયાત વધુ છે. જે ભારત માટે અગાઉથી જ ચિંતાનો વિષય છે અને તે ઘટવાને બદલે વધતી રહી છે. બંને દેશો વચ્ચે સરહદ પર ભારે તણાવ પ્રવર્તમાન હોવા છતાં વેપાર વધ્યો છે પરંતુ, વધતો વેપાર બંને દેશ વચ્ચે બધુ બરોબર છે. તે વાતનો પુરાવો નથી.