ગુજરાતમાં દારૂની પરમીટ ધારકોમાં વધારો, એક વર્ષમાં 3587 વ્યક્તિઓને અપાઈ પરમીટ
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. જો કે, આરોગ્યના કારણોસર સરકાર દ્વારા દારૂની પરમીટ આપવામાં આવે છે. વર્ષ 2017-18માં 1717 વ્યક્તિઓને નવી અસરથી પરમીટ આપવામાં આવી હતી. જ્યારે વર્ષ 2019-20માં આ આંકડો વધીને 3587 થયો છે. બીજી તરફ સરકારને દારૂની પરમીટ ફી પેટે 3 વર્ષના સમયગાળામાં રૂ. 19 કરોડની આવક થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. જો કે, કેટલાક લોકો દ્વારા દારૂબંધી હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ સરકારે દારૂબંધીને હટાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. સરકાર દ્વારા આરોગ્યને લઈને દારૂની પરમીટ આપવામાં આવે છે. રાજ્યમાં વર્ષ 2017-18માં 1717 નવી અસર ઈસ્યુ કરવામાં આવી હતી. જ્યારે 2019-20માં વધીને આ આંકડો 3587 થયો હતો. આમ નવી પરમીટ લગભગ ડબલ થઈ છે. રાજ્યમાં 2017-18માં 6259 પરમીટ રીન્યુ કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2019-20માં 10189 પરમીટ રીન્યુ કરાઈ હતી.
રાજ્યમાં દારૂબંધી હોવાથી બુટલેગરો દ્વારા દારૂની રેલમછેલ કરવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમજ દારૂની હેરાફેરી માટે નવી-નવી તરકીબો અજમાવવામાં આવે છે. જો કે, પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવે છે. જેથી એપ્રીલ 2019 થી ઓકટો 2020 સુધીમાં કુલ રૂા.215 કરોડનો શરાબ ઝડપવામાં આવ્યો છે. આમ રાજયમાં દર મહીને રૂા.34 લાખનો શરાબ પકડાય છે. રાજ્યની વિવિધ ચેકપોસ્ટ ઉપર દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવે છે.