અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ સુરત અને અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. હાલ અમદાવાદ શહેરના લગભગ 253 જેટલા વિસ્તાર માઈક્રો કન્ટેમેન્ટ ઝોનમાં છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટાડવાની દિશામાં કામગીરી વધારે તેજ બનાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં 228 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતાં. દરમિયાન થલતેજ, બોપલ, જોધપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં 28 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે જોધપુર અને બોડકદેવના 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે હાલ 253 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. આમ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાનું મનાઈ રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે કોર્પોરેશન દ્વારા ઠેર-ઠેર કોરોના ટેસ્ટ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ રાત્રિ કરફ્યુનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 2190 કેસ નોંધાયા હતા જેની સામે 1422 દર્દીઓ સાજા થયાં હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 2,81,707 કોરોના મુક્ત થયાં છે. બીજી તરફ 6 લોકોના સારવાર દરમિયાન મોત થયાં હતા આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4479 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.