અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાય પહેલા જ ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરના ટાણે ગરમીના કારણે હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લાં સાત દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં દોઢથી 8 ડિગ્રીનો વધારો થતાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી 10 દિવસ રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ 17 ફેબ્રુઆરી બાદ ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ બાદ લધુત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વહેલી પરોઢે ગાઢ ધૂમ્મસ તો કેટલાક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઈ રહી છે. અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ ફેબ્રુઆરીના અંત સુધીમાં ગરમીનો પારો 38 ડિગ્રી નજીક પહોંચી જશે. એટલું જ નહિ, માર્ચ મહિનામાં પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા હોવાથી આ વર્ષે ઉનાળામાં માથું ફાડી નાંખે તેવી અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. તેમજ એપ્રિલ-મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી પહોંચી શકે છે, જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પવનની દિશા બદલાતા જ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગનો અનુમાન છે કે, આગામી ચાર દિવસ મહત્તમ અને લઘુતમ તાપમાન યથાવત્ રહેશે. તેમજ એક દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી સુધી વધી ગયું છે. એક સપ્તાહ પહેલાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી હતું. જે વધીને 33 ડિગ્રીએ પહોંચી ગયું છે. ત્યારે આ મહિનાના અંતમાં જ ગરમી શરૂ થઇ જશે અને પારો ક્યાંક 38 ડિગ્રી સુધી જવાની અને ઉનાળો આકરો રહેવાની વકી છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, હજુ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે બપોરે તાપમાનનો પારો 32 ડિગ્રીની આસપાસ રહેતા ગરમી વર્તાઇ રહી છે. આમ બૈવડી ઋતુને કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે. ત્યારે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, હાલ તો ઠંડી ઘટી રહી છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારે ઠંડી લાગે છે. જ્યારે મહત્તમ તાપમાન વધવાના કારણે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. લઘુત્તમ તાપમાન પણ વધી જશે. 12 અને 13 ફેબ્રુઆરીના વાદળછાયું વાતાવરણ રહેશે. 19થી 20 ફેબ્રુઆરીએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી જોર પકડશે.
ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી આસપાસ પહોંચી જશે. માર્ચ મહિનામાં આકરી ગરમીનો અહેસાસ થવા લાગશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી જશે. એપ્રિલ અને મે મહિનામાં તો અંગ દઝાડતો તાપ પડશે. ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેવાની પણ શક્યતા છે.