Site icon Revoi.in

મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં વધારો

Social Share

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું‌‌ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત ૧૧ માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫ ટકા સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાના પરિણામે હોસ્પિટલમાં તબીબો અને  શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે.

રાજ્ય સરકારના મહત્વપુર્ણ નિર્ણય સંદર્ભે વધું વિગતો આપતા તેમણે કહ્યું કે, સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજરત આ તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાનો લાભ મળશે. આ નિર્ણય અનુસાર પ્રાધ્યાપક વર્ગ-૧ના પ્રોફેસરને હાલ રૂ. ૧,૮૪,૦૦૦ માસિક વેતન ચૂકવવામાં આવે છે જે હવેથી રૂ. .૨,૫૦,૦૦૦ થશે.

સહ પ્રાધ્યાપક વર્ગ-૧ને રૂ. ૧,૬૭,૫૦૦ ની જગ્યાએ રૂ. ૨,૨૦,૦૦૦ , મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧ને રૂ. ૮૯,૪૦૦ ની જગ્યાએ રૂ. ૧,૩૮,૦૦૦ અને ટ્યુટર વર્ગ-૨ને રૂ. ૬૯,૩૦૦ની જગ્યાએ રૂ. ૧,૦૫,૦૦૦ માસિક વેતન ચૂકવવામાં આવશે. આરોગ્ય વિભાગના તા. ૯/૧૦/૨૦૨૪ ઠરાવ થી નિર્ણય અમલી બનશે