નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2022માં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાંથી 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતો, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. રોડ ટ્રાન્સ અને હાઈવે મંત્રાલય દ્વારા ‘રોડ એક્સિડેન્ટ્સ ઇન ઈન્ડિયા – 2022‘ શીર્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દર કલાકે 53 માર્ગ અકસ્માતો થયા છે અને દર કલાકે 19 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. જેમાં સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરનાર વાહન ચાલકોનો આંકડો વધારે છે.
રિપોર્ટ અનુસાર, 2022માં દેશમાં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાંથી 1,51,997 એટલે કે 32.9 ટકા અકસ્માતો એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે (NH) પર થયા હતા. જ્યારે રાજ્યના ધોરીમાર્ગો પર 1,06,682 એટલે કે 23.1 ટકા અકસ્માતો થયા હતા. જ્યારે 2,02,633 એટલે કે 43.9 ટકા અકસ્માતો અન્ય માર્ગો પર થયા છે. માર્ગ અકસ્માતોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 11.9 ટકાનો વધારો થયો છે અને તેના કારણે મૃત્યુદરમાં 9.4 ટકાનો વધારો થયો છે. અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યામાં 15.3 ટકાનો વધારો નોંધાયો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાં મોટી સંખ્યામાં એવા લોકો હતા જેમણે રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ કર્યો ન હતો. આ અકસ્માતોમાં 16,715 લોકો સીટ બેલ્ટ ન પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 8,384 ડ્રાઇવર હતા જ્યારે બાકીના 8,331 વાહનમાં મુસાફરો હતા. આ સિવાય 50,029 ટુ-વ્હીલર સવારોએ પણ હેલ્મેટ ન પહેરવાના કારણે આ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા છે. વર્ષ 2022માં 18 થી 45 વર્ષની વયજૂથના 66.5 લોકો અકસ્માતનો શિકાર બન્યા હતા. 18-60 વર્ષના કાર્યકારી વયજૂથના લોકો માર્ગ અકસ્માતમાં 83.4 ટકા મૃત્યુ માટે જવાબદાર છે.
(Photo-File)