પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી જે-તે કોલેજોની અરજી અનુસંધાને બેઠકો વધારવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. એટલે આ વર્ષે વિદ્યાર્થીઓને કોમર્સ અને આર્ટસની વિદ્યાશાખાઓમાં પ્રવેશની મુશ્કેલી નહીં પડે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો સહિત ગ્રાન્ટેડ કોલેજોમાં બીકોમ, બીએસસી, એમએસસી આઇટી સહિતના સ્નાતક અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરેક ગ્રાન્ટેડ કોલેજોમાં એક ડિવિઝનમાં 130 બેઠકો ફાળવવામાં આવી છે. હાલમાં ગ્રાન્ટેડ કોલેજોમાં ફાળવાયેલી બેઠકોમાં પ્રવેશ પ્રકિયા પૂર્ણ થતા અનેક વિધાર્થીઓ ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા હતા.આથી વિધાર્થીઓને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં એડમિશન લેવાની ફરજ પડી રહી હતી જેને લઈ વિધાર્થી હિતને ધ્યાનમાં રાખી પાટણ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016 માં કારોબારીની બેઠકમાં નિર્ણય કરાયેલા પરિપત્ર મુજબ ગ્રાન્ટેડ કોલેજોમમાં 130 બેઠકો સામે 50 બેઠકો વધારી 180 બેઠકો કરવાનો નિર્ણય કરાયો છે. જે અનુસંધાને ચાલુ વર્ષે જે ગ્રાન્ટેડ કોલેજોની અરજીના અનુસંધાને બેઠકો ફાળવવાની મંજુરી આપવામાં આવી છે. એટલે હવે વિદ્યાર્થીઓને પ્રવેશની કોઈ મુશ્કેલી નહીં પડે, ઘણી બહારગામની કોલેજો ગ્રાન્ટેડ છે, એટલે પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે વિદ્યાર્થીઓને પોતાના શહેરની કોલેજમાં જ પ્રવેશ મળી શકશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યુ હતું. કે વિધાર્થીના હિતને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજોમાં અરજીના અનુસંધાને 180 બેઠક કરવાના નિર્ણયને લેતા હવે વિધાર્થીઓને સરળતાથી પવેશ મળી શકશે.