Site icon Revoi.in

સુરતમાં દિવાળીના તહેવારોને લીધે પ્રવાસી ટ્રાફિકમાં વધારો

Social Share

સુરતઃ દિવાળીના તહેવારોમાં શહેરમાં વસવાટ કરનારા લોકો પોતાના માદરે વતન જતા હોય છે. શહેરમાંથી છેલ્લા 5 દિવસથી બહાર ગામ જનારા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, શહેર દિવસ અને રાત ખાલી થઈ રહ્યું હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોના ઘણાબધા લોકોનો વસવાટ છે. પરપ્રાંતના લોકો દિવાળી અને છઠના તહેવારને લીધે પોતાના માદરે વતન જતા હોય છે. આથી રેલવે દ્વારા ખાસ ટ્રેનો દાડવવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોના અનેક લોકો રોજગારી માટે વસવાટ કરેલો છે. અને દિવાળીના તહેવારોમાં પોતાના ગામ જવા માટે ખાનગી લકઝરી બસ અને એસટીની એક્સ્ટ્રા બસો દ્વારા રવાના થઈ રહ્યા છે. આજે કાળી ચૌદશના દિને પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.

સુરત શહેરના કતારગામ ખાનગી બસ પાર્કિંગથી લઈને કામરેજ સુધી 15 કિલોમીટરના વિસ્તારમાં લક્ઝરી બસમાં બેસવા માટે 10 કિમી સુધી લોકોનો મેળાવડો થઈ જતો હોય છે. આ 10 કિમીના વિસ્તારમાં સૌથી વધુ બસના થપ્પાઓ લાગેલા જોવા મળ્યા હતા. સુરત એસટી વિભાગ દ્વારા  2200થી વધારે એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે.  આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારના માટે એસટી આપના દ્વારે યોજના અમલમાં મૂકી છે, જેમાં સુરત એસટી નિગમની બસ સોસાયટીથી વતન સુધી પહોંચાડતી હતી. જે યોજનાનો લાભ 2756 પેસેન્જરોએ સોમવારના લીધો છે. 53 બસ સોસાયટીથી ઉપડી હતી. જેમાંથી એસટી નિગમને 10,98,870 રૂપિયાની આવક થઈ છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના રહેવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી દીધી છે. આ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતવાસીઓ સુરતના હીરા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં દિવાળી વેકેશનમાં વતન પરત ફરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગની મંદીમાં ઝઝૂમતા રત્ન કલાકારોને લક્ઝરી બસ-સંચાલકો લૂંટી રહ્યા છે. લક્ઝરીના ડબલ સોફા બોક્સનો ભાવ 2800થી 3000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. લોકો પણ કહી રહ્યા છે કે વર્ષમાં એકવાર ગામડે માતા-પિતાને મળવા જવાનું હોય છે તો જવું તો પડે જ ને.