- મે 2022માં યુપીઆઈ મારફતે કુલ 5.96 અબજ ટ્રાન્ઝેકશન
- ગયા વર્ષની સરખામણીએ ટ્રાન્ઝેક્શનમાં વધારો
નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક જમાનામાં લોકો હવે ડિજીટલ પેમેન્ટ તરફ ધીમે-ધીમે વળી રહ્યાં છે. સ્માર્ટફોન મારફતે ઘરે બેઠા-બેઠા જરૂરી પેમેન્ટ કરી શકાતો હોવાથી લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. દેશમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મે મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન્સ રૂ. 10 લાખ કરોડને પાર કરી ગયા છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે.
NPCIના ડેટા પર નજર કરીએ તો મે 2022માં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા કુલ 5.95 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની કુલ રકમ 10.41 લાખ કરોડ રૂપિયા હતી. અગાઉ એપ્રિલ મહિનામાં 5.58 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા અને ટ્રાન્ઝેક્શનની રકમ 9.83 લાખ કરોડ રૂપિયા હતી. તેમજ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં બમણો વધારો થયો છે. મે 2021 માં, UPI વ્યવહારોની સંખ્યા 2.54 અબજ હતી. આમ હવે દેશની પ્રજા ઝડપથી ડીજીટલ પેમેન્ટ તરફી વળી રહી છે.
કેન્દ્રની પીએમ નરેન્દ્ર મોદી સરકાર તથા વિવિધ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પેમેન્ટની ચલણ વધે તે માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન બેકીંગ સહિતની સુવિધાઓ હવે આંગળીના ટેરવે હોવાથી મોટાભાગના લોકો આધુનિક જમાનાની સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાનું વધારે પસંદ કરે છે.